ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા તાલુકાના ધોકડવા ગામે કાર્યરત આઈઆઈએફએલ ફાઈનાન્સની ગોલ્ડ લોન શાખામાં અધધધ રૂપિયા ૧.૪૨ કરોડથી વધુની ઉચાપત અને છેતરપિંડીનું અત્યંત ચોંકાવનારું કૌભાંડ સામે આવ્યું છે. ગોલ્ડ લોન શાખામાં ગ્રાહકો દ્વારા મુકવામાં આવેલા સોનાના દાગીનાના વજન તેમજ કેરેટ ગુણવત્તાના મૂલ્યાંકનમાં મોટા પાયે ગેરરીતિ આચરીને કંપની તેમજ ગ્રાહકો સાથે કુલ મળીને રૂપિયા ૧,૪૨,૬૫,૧૨૦ની છેતરપિંડી આચરવામાં આવી હતી. આ સમગ્ર મામલે કંપનીના એરિયા મેનેજરની ફરિયાદના આધારે ગીરગઢડા પોલીસ મથકમાં બ્રાન્ચ મેનેજર અને સહાયક બ્રાન્ચ મેનેજર વિરુદ્ધ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. જેમાં પોલીસે મુખ્ય સૂત્રધાર બ્રાન્ચ મેનેજરની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ અને કંપનીના ઓડિટ રિપોર્ટમાં થયેલા ખુલાસા મુજબ, ધોકડવા શાખામાં મંજૂર કરાયેલી ૪૧ ગોલ્ડ લોનમાં સોનાના દાગીનામાંથી મીણ, દોરી અને સ્ટોન જેવી બિનસોનાની સામગ્રીનું જરૂરી વજન ઘટાડવાને બદલે ઓછું વજન બાદ કરી કેરેટ વધુ દર્શાવવામાં આવ્યા હતા. આ રીતે કંપનીને રૂપિયા ૧.૦૧ કરોડથી વધુનું આર્થિક નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું. આ ઉપરાંત, આશરે ૧૭ જેટલા લોનધારકોને સસ્તા વ્યાજદરની લાલચ આપી તેમની વધુ રકમની લોન મંજૂર કરાવી તેમાંથી વધારાના રૂપિયા ૩૮.૯૭ લાખ બારોબાર મેનેજરે પોતાના તથા મિત્રો-સગાંવહાલાંના બેંક ખાતામાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. એટલું જ નહીં, બે મૂળ ગ્રાહકોના દાગીના તેમની જાણ બહાર અન્ય ત્રીજી વ્યક્તિઓના નામે ગીરવે મૂકી રૂપિયા ૨.૭૦ લાખની ઉચાપત પણ કરવામાં આવી હતી.
શાખામાં શંકાસ્પદ લોન વ્યવહારો અંગે હેડ ઓફિસને ઈ-મેઈલ મળ્યા બાદ સ્પેશિયલ ઓડિટ ટીમે તપાસ હાથ ધરતાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો હતો. ગેરરીતિ પકડાઈ જતાં શાખામાંથી ગાયબ થઈ ગયેલા બ્રાન્ચ મેનેજર ભાવસિંહ વાળાને કંપનીએ સસ્પેન્ડ કરી દીધા હતા, જ્યારે આ કૌભાંડમાં સંડોવાયેલા સહાયક મેનેજર હિંમત દુદાવાળાનું થોડા સમય પહેલાં એક માર્ગ અકસ્માતમાં મોત નીપજ્યું હોવાનું સામે આવ્યું છે. હાલ ગીરગઢડા પોલીસે ઝડપાયેલા બ્રાન્ચ મેનેજરની સઘન પૂછપરછ શરૂ કરી છે અને આ કૌભાંડમાં હજુ અન્ય ગ્રાહકો ભોગ બન્યા છે કે કેમ તે દિશામાં પણ તપાસ લંબાવી છે.
