JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
જામનગર

ગુજરાત ભાડા નિયમન કાયદાના વિરોધમાં જામનગર બાર એસોસિએશનની હડતાલ: વકીલો અદાલતી કામગીરીથી રહ્યા અલિપ્ત

Oct 03, 2026 | 23:25 | By JAMNAGAR MIRROR
ગુજરાત ભાડા નિયમન કાયદાના વિરોધમાં જામનગર બાર એસોસિએશનની હડતાલ: વકીલો અદાલતી કામગીરીથી રહ્યા અલિપ્ત

ગુજરાત વિધાનસભા દ્વારા તાજેતરમાં પસાર કરવામાં આવેલા નવા ભાડા અધિનિયમન વિધેયકના વિરોધમાં સમગ્ર રાજ્ય સાથે જામનગરમાં પણ વકીલ આલમમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. સિવિલ કોર્ટની મૂળ સત્તાઓ પરત લઈને રેન્ટ ઓથોરિટી તેમજ રેન્ટ ટ્રિબ્યુનલની રચના કરી તેમને આ સત્તા સોંપવાની નવી જોગવાઈઓના વિરોધમાં જામનગર બાર એસોસિએશન દ્વારા હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું. આ આંદોલનના ભાગરૂપે વકીલ મંડળે જિલ્લા કલેક્ટરને લેખિત રજૂઆત કરી કાયદા સામે ઉગ્ર અસંતોષ વ્યક્ત કર્યો હતો.

આજે સવારે કોર્ટ સંકુલ ખાતે મોટી સંખ્યામાં વકીલો એકત્રિત થયા હતા અને નવા કાયદા વિરુદ્ધ જોરદાર સૂત્રોચ્ચાર કરીને વિરોધ પ્રદર્શિત કર્યો હતો. બાર એસોસિએશન દ્વારા અગાઉથી જ ન્યાયિક પ્રક્રિયાથી સંપૂર્ણપણે દૂર રહેવાનો સત્તાવાર ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો. જેના પરિણામે તમામ વકીલો કોર્ટ કાર્યવાહીથી અલિપ્ત રહ્યા હતા અને અદાલતોમાં કેસોની સુનાવણી સ્થગિત રહેતા પક્ષકારો વગર અદાલતી સંકુલ સૂમસામ નજરે પડ્યું હતું. સમગ્ર રાજ્યના અન્ય બાર એસોસિએશનોના આંદોલનને જામનગરના વકીલ મંડળે એકસૂર થઈને મજબૂત સમર્થન જાહેર કર્યું છે.

આ હડતાલના સંદર્ભમાં જામનગર બાર એસોસિએશનના પ્રમુખ ભરત સુવા અને મંત્રી મનોજ ઝવેરી દ્વારા મુખ્ય જિલ્લા અને સત્ર ન્યાયાધીશને અગાઉથી જ એક વિગતવાર પત્ર પાઠવી સમગ્ર વિગતથી વાકેફ કરવામાં આવ્યા હતા. જેમાં ન્યાયાધીશને ખાસ અનુરોધ કરવામાં આવ્યો હતો કે હડતાલના કારણે જો કોઈ વકીલ કે પક્ષકાર કોર્ટમાં ઉપસ્થિત ન રહી શકે, તો તેમની ગેરહાજરીની બાબતને દરગુજર રાખવામાં આવે. પક્ષકારોના હિતને કોઈ નુકસાન ન થાય તે માટે કેસો જે તે તબક્કે જાળવી રાખવા અને કોઈ એકતરફી વોરંટ કે દંડાત્મક આદેશ ન કરવા માંગણી કરવામાં આવી હતી.

કાનૂની નિષ્ણાતો અને વકીલોનું સ્પષ્ટ માનવું છે કે ન્યાયતંત્ર પાસેથી સત્તા આંચકીને વહીવટી ટ્રિબ્યુનલોને સોંપવાથી નાગરિકો માટે ન્યાય મેળવવાની પ્રક્રિયા વધુ જટિલ બનશે. ન્યાયતંત્રની સ્વાયત્તતા જળવાઈ રહે અને સામાન્ય જનતાના કાનૂની અધિકારોનું રક્ષણ થાય તે માટે સરકાર આ અધિનિયમનમાં યોગ્ય સુધારા ન કરે ત્યાં સુધી લડત યથાવત રાખવાનો વકીલોએ દ્રઢ સંકલ્પ દર્શાવ્યો છે.

LATEST ARTICLES