દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાલુ વર્ષે વરસાદની ભારે અછતને કારણે સર્જાયેલી દુષ્કાળ જેવી ગંભીર પરિસ્થિતિ સામે ખેડૂતોમાં ભારે આક્રોશ ફેલાયો છે. ચોમાસા દરમિયાન વરસાદના અભાવે ખેતરોમાં ઊભેલો મગફળીનો પાક સંપૂર્ણપણે નિષ્ફળ જવાની અણી પર પહોંચી ગયો છે. આ ગંભીર સંકટ વચ્ચે પોતાની વેદના અને સરકાર સામેનો રોષ વ્યક્ત કરવા માટે દ્વારકા જિલ્લા કિસાન કોંગ્રેસ અને સ્થાનિક ખેડૂતો દ્વારા એક અનોખો તેમજ હૃદયસ્પર્શી વિરોધ પ્રદર્શન યોજીને શાસકોનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો.
ખંભાળિયા તાલુકાના ઠાકર શેરડી ગામે રાત્રિના સમયે એકઠા થયેલા ધરતીપુત્રોએ ખેતરમાંથી મગફળીના લીલા છોડ ઉપાડીને તેનું તાપણું કર્યું હતું અને પારંપરિક રીતે મગફળી શેકીને ‘ઓરા’ બનાવવાનો પ્રયત્ન કર્યો હતો. જોકે, વરસાદના અભાવે છોડવાઓમાં દાણા જ બેઠા ન હોવાથી માત્ર લીલા પાંદડા અને મૂળિયાં જ હાથ લાગ્યા હતા. ખેડૂતો દ્વારા કરવામાં આવેલો આ પ્રતીકાત્મક વિરોધ ખેતીની વાસ્તવિક અને દયનીય સ્થિતિ છતી કરતો હતો. ખેડૂતોની મહિનાઓની અથાક મહેનત, મોંઘા ભાવના બિયારણ અને રાસાયણિક ખાતર પાછળ કરેલો તમામ ખર્ચ માથે પડ્યો છે.
ખેડૂતોએ પોતાની વ્યથા ઠાલવતા જણાવ્યું હતું કે દર વર્ષે મગફળીના સારા ઉત્પાદનની આશા રહેતી હોય છે, પરંતુ આ વખતે અનિયમિત અને નહિવત્ વરસાદના કારણે પાકમાં દાણા જ આવ્યા નથી. જેના લીધે ખેતી પાછળ થયેલી મુડી પણ છૂટી થાય તેમ નથી અને આગામી દિવસોમાં પરિવારનું ગુજરાન ચલાવવું તથા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા કરવી મુશ્કેલ બની ગઈ છે. આ વિરોધ પ્રદર્શન દરમિયાન આગેવાનો અને ખેડૂતોએ સરકાર સમક્ષ તાત્કાલિક દેવભૂમિ દ્વારકા જિલ્લાને સત્તાવાર રીતે દુષ્કાળગ્રસ્ત જાહેર કરવાની માંગણી કરી છે. આ ઉપરાંત સૂકાઈ રહેલા પાકને બચાવવા માટે નર્મદાનું પાણી આપવા અને આર્થિક પાયમાલી તરફ ધકેલાયેલા ખેડૂતોને વહેલી તકે વિશેષ સહાય પેકેજ આપવા જોરદાર રજૂઆત કરવામાં આવી છે.
