JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

'અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો અમે પાકિસ્તાન સાથે ઊભા રહીશું': ભાજપ પ્રદેશ પ્રમુખ મદન રાઠોડના નિવેદનથી મોટો વિવાદ

Oct 16, 2026 | 09:25 | By JAMNAGAR MIRROR
'અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થશે તો અમે પાકિસ્તાન સાથે ઊભા રહીશું': ભાજપ પ્રદેશ પ્રમુખ મદન રાઠોડના નિવેદનથી મોટો વિવાદ

રાજસ્થાન ભાજપના પ્રદેશ પ્રમુખ મદન રાઠોડે આપેલા એક નિવેદનને કારણે દેશના રાજકારણમાં ભારે હોબાળો મચી ગયો છે. જયપુરમાં આયોજિત એક જાહેર કાર્યક્રમ દરમિયાન તેમણે જણાવ્યું હતું કે જો કદાચ અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિ સર્જાય, તો ભારત પાડોશી દેશ હોવાના નાતે પાકિસ્તાનની પડખે ઊભું રહેશે. ભાજપના વરિષ્ઠ નેતાના આ આશ્ચર્યજનક નિવેદનનો વિડીયો સામે આવતાની સાથે જ રાજકીય ગલિયારાઓમાં ખળભળાટ મચી ગયો છે અને વિપક્ષી પક્ષોએ શાસક પક્ષ પર આકરા પ્રહારો શરૂ કરી દીધા છે.

કાર્યક્રમમાં ઉપસ્થિત લોકોને સંબોધિત કરતા મદન રાઠોડે જણાવ્યું હતું કે આપણે બધાએ આ વાતને સમજવાની જરૂર છે. જો આજે અમેરિકા અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ છેડાઈ જાય, તો આપણે પાકિસ્તાન સાથે ઊભા રહીશું કારણ કે તે આપણો પાડોશી દેશ છે. જોકે, તેમણે તરત જ બચાવ કરતા ઉમેર્યું હતું કે જ્યારે આપણી અંદરોઅંદરની કોઈ વાત આવે છે ત્યારે આપણે આપણા ભારત સાથે જ દ્રઢતાથી ઊભા રહીએ છીએ. આ તર્ક આપીને તેમણે પડોશી ધર્મ નિભાવવાની હિમાયત કરવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ આ નિવેદનથી ખુદ ભાજપ માટે ભારે ક્ષોભજનક સ્થિતિ પેદા થઈ છે.

કોંગ્રેસ પક્ષે આ નિવેદનને આડે હાથ લેતા ભાજપના કહેવાતા રાષ્ટ્રવાદ પર ગંભીર સવાલો ઉઠાવ્યા છે. કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શમા મોહમ્મદે મદન રાઠોડના નિવેદનની આકરી ઝાટકણી કાઢતા તેમને દેશવિરોધી ગણાવ્યા હતા. તેમણે આક્ષેપ કર્યો હતો કે આપણા બહાદુર જવાનો અને નિર્દોષ નાગરિકોનું લોહી વહાવનારા આતંકવાદી દેશ પાકિસ્તાન પ્રત્યે ભાજપનો છૂપો પ્રેમ ફરી એકવાર છતો થયો છે. તેમણે પ્રશ્ન કર્યો હતો કે શું દેશનું મોવડીમંડળ પણ આ વિચાર સાથે સહમત છે? અને જો નથી, તો પોતાના પ્રદેશ અધ્યક્ષ સામે શું શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવશે?

બીજી તરફ, આમ આદમી પાર્ટીએ પણ આ વિડીયો શેર કરીને કેન્દ્ર સરકાર અને ભાજપને ઘેરી લીધા છે. આમ આદમી પાર્ટીએ જણાવ્યું હતું કે જ્યારે દેશના સામાન્ય નાગરિકો કે યુવાનો પોતાના હક અને રોજગાર માટે અવાજ ઉઠાવે છે, ત્યારે તેમને પાકિસ્તાની કે ઉપદ્રવી કહી દેવામાં આવે છે. પરંતુ જ્યારે ભાજપના નેતા પોતે પાકિસ્તાન સાથે ઊભા રહેવાની વાત કરે છે, ત્યારે તેમનો રાષ્ટ્રવાદ ક્યાં ગાયબ થઈ જાય છે? હાલ સમગ્ર દેશમાં આ વિવાદાસ્પદ નિવેદનને લઈને રાજકીય ગરમાવો ચરમસીમાએ પહોંચ્યો છે.

LATEST ARTICLES