આંધ્રપ્રદેશમાં એનડીએ શાસન વચ્ચે રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી અને વાયએસઆર કોંગ્રેસના વડા વાય. એસ. જગનમોહન રેડ્ડીના રાજકીય વલણમાં મોટો બદલાવ જોવા મળી રહ્યો છે. વર્ષ ૨૦૨૯ની સામાન્ય ચૂંટણીઓ પૂર્વે જગન રેડ્ડીએ ભારતીય ચૂંટણી પંચ સામે આક્રમક વલણ અપનાવ્યું છે. આ ઉપરાંત ડાબેરી પક્ષો સાથે તેમની વધતી નિકટતા અને કોંગ્રેસના નેતાઓ સાથે સંપર્કના અહેવાલોએ રાષ્ટ્રીય સ્તરે તેમની નવી રાજકીય રણનીતિ અંગેની અટકળોને વેગ આપ્યો છે. અગાઉ કેન્દ્ર સરકારના મહત્વના વિધેયકોને ટેકો આપનાર જગન રેડ્ડીનું આ બદલાયેલું વલણ દેશના રાજકારણમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે.
નોંધનીય છે કે, અગાઉ વાયએસઆર કોંગ્રેસે વર્ષ ૨૦૨૩માં ચૂંટણી કમિશનરોની નિમણૂક સંબંધિત કાયદાનું સમર્થન કર્યું હતું. પરંતુ હવે જગન રેડ્ડીએ આ પ્રક્રિયામાં સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ, વડાપ્રધાન અને વિપક્ષના નેતાનો સમાવેશ કરતી જૂની પસંદગી પદ્ધતિ પુનઃસ્થાપિત કરવાની માંગ કરી છે. તેમણે સ્પષ્ટ કર્યું કે લોકશાહીમાં ચૂંટણી સંસ્થાઓ પર જનતાનો વિશ્વાસ જાળવી રાખવા માટે પારદર્શિતા અને જવાબદેહી અત્યંત અનિવાર્ય છે. તેમણે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે માત્ર ધરપકડો કરવાથી ચૂંટણી પ્રક્રિયા પરના સંશયો દૂર નહીં થાય. આ સાથે જ તેમની પાર્ટીએ વર્ષ ૨૦૨૪ની આંધ્રપ્રદેશ વિધાનસભા ચૂંટણીમાં મતદાનની ટકાવારી અને ઇવીએમ ડેટામાં વિસંગતતાઓ તેમજ ચૂંટણી દસ્તાવેજો જાહેર કરવામાં થયેલા વિલંબ પર પણ ગંભીર સવાલો ઉઠાવ્યા છે.
આ બદલાતી પરિસ્થિતિ વચ્ચે વાયએસઆર કોંગ્રેસ દ્વારા ડાબેરી સંગઠનો સાથે સાધવામાં આવેલા સંપર્કે રાજકીય વર્તુળોમાં નવો ગણગણાટ શરૂ કર્યો છે. તાજેતરમાં જગન રેડ્ડી અને ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ વચ્ચે મહત્વપૂર્ણ બેઠક યોજાઈ હતી, જેમાં રાજ્યમાં દુષ્કાળની ગંભીર સ્થિતિ, મતદારયાદીઓની ચિંતાઓ અને લોકહિતના મુદ્દાઓ પર સંયુક્ત સહયોગ અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. જોકે, તેમણે વિપક્ષી ગઠબંધનમાં જોડાવા અંગે કોઈ સત્તાવાર નિર્ણય લીધો નથી, પરંતુ વિરોધ પક્ષો સાથે વધી રહેલો સંવાદ એ સંકેત આપે છે કે આગામી સમયમાં રાષ્ટ્રીય સ્તરે વિપક્ષી એકતાનું નવું સમીકરણ આકાર લઈ શકે છે.
