બિહારના ગયા જિલ્લામાંથી પિતા અને પુત્રના પવિત્ર સંબંધને કલંકિત કરતી એક અત્યંત હૃદયદ્રાવક અને ચકચારી ઘટના સામે આવી છે. પ્રેમ સંબંધમાં અંધ બનેલા એક કળિયુગી પુત્રએ પોતાની પ્રેમિકાને પારિવારિક જમીન અપાવવા ખાતર બ્લડ કેન્સર જેવી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા પોતાના જ જન્મદાતા પિતાનું પથ્થર અને ઈંટ વડે માથું છુંદીને ક્રૂરતાપૂર્વક મોત નીપજાવ્યું છે. પોલીસે હત્યાનો ભેદ ઉકેલીને હત્યારા પુત્રની ધરપકડ કરી લીધી છે. આ અરેરાટીભરી ઘટના સામે આવ્યા બાદ સમગ્ર પંથકમાં ભારે રોષ અને અરેરાટી વ્યાપી ગઈ છે.
પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, મૃતકની ઓળખ કરિયાણાનો વેપાર કરતા કૃષ્ણા ગુપ્તા તરીકે થઈ છે, જેઓ લાંબા સમયથી બ્લડ કેન્સરથી પીડાતા હતા. આરોપી પુત્ર ચંદન રાજ છેલ્લા દસ-બાર વર્ષથી પોતાનાથી ઉંમરમાં દસ વર્ષ મોટી એક પરિણીત મહિલા સાથે પ્રેમ સંબંધમાં હતો. આ મહિલા પરિવારથી અલગ થઈને પારિવારિક જમીન પોતાના નામે કરાવવા માટે સતત ચંદન પર દબાણ લાવી રહી હતી. પ્રેમિકાએ તેને સ્પષ્ટ અલ્ટીમેટમ આપ્યું હતું કે કાં તો જમીન તેના નામે કરી દે અથવા તો પિતાને રસ્તામાંથી હટાવી દે. પિતા આ અયોગ્ય સંબંધ અને જમીન આપવાની સખત વિરોધમાં હોવાથી પુત્રએ પિતાની હત્યાનું કાવતરું ઘડી કાઢ્યું હતું.
ઘટનાવાળી રાત્રે ચંદન તેના પિતાને હોસ્પિટલ ખાતે ડાયાલિસિસ કરાવ્યા બાદ પરત ઘરે લાવી રહ્યો હતો. રસ્તામાં નિર્જન સ્થળે ગયા સ્થિત ઓફિસર્સ ટ્રેનિંગ એકેડેમી નજીક તેણે નિર્દયતાપૂર્વક પિતાના ચહેરા અને માથા પર પથ્થર તથા ઈંટોના ઘા ઝીંકી દીધા હતા. પિતાને લોહીલુહાણ હાલતમાં ત્યાં જ તડપતા મૂકીને તે ફરાર થઈ ગયો હતો. ત્યારબાદ બંને લાપતા હોવાની ગુમશુદા ફરિયાદ પણ પોલીસ મથકે નોંધાઈ હતી. બે દિવસ બાદ ક્ષત-વિક્ષત હાલતમાં વૃદ્ધનો મૃતદેહ મળી આવતા પોલીસે ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરી હતી અને પુત્રની કડક પૂછપરછ કરતાં તેણે આ સમગ્ર પાપલીલા અને હત્યાની કબૂલાત કરી લીધી હતી.
