JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ફિટજી સંસ્થા સામે ૮૫ કરોડથી વધુના કૌભાંડ મામલે ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ: ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા ભોગ

Oct 15, 2026 | 20:32 | By JAMNAGAR MIRROR
ફિટજી સંસ્થા સામે ૮૫ કરોડથી વધુના કૌભાંડ મામલે ઈડી દ્વારા ચાર્જશીટ દાખલ: ૧૪ હજારથી વધુ વિદ્યાર્થીઓ બન્યા ભોગ

દેશભરમાં એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષાની તૈયારી કરાવતી જાણીતી કોચિંગ સંસ્થા 'ફિટજી' લિમિટેડ અને તેના સંચાલકો સામે કેન્દ્રીય તપાસ એજન્સી પ્રવર્તન નિદેશાલય (ઈડી) દ્વારા ગાળિયો કસવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓની કોચિંગ ફીના કથિત દુરુપયોગ અને નાણાકીય ગેરરીતિઓ સંબંધિત કેસમાં તપાસ એજન્સીએ ગાઝિયાબાદ સ્થિત વિશેષ પીએમએલએ અદાલતમાં ફિટજી અને તેના સંચાલકો દિનેશ કુમાર ગોયલ તેમજ મોનિલા ગોયલ વિરુદ્ધ ચાર્જશીટ દાખલ કરી છે. એજન્સીએ આરોપીઓને કડક સજા કરવાની તેમજ તપાસ દરમિયાન જપ્ત અને ટાંચમાં લેવાયેલી આશરે ૭૧.૮૮ કરોડ રૂપિયાની અસ્કયામતો કાયમી ધોરણે જપ્ત કરવાની અદાલતમાં માંગણી કરી છે.

તપાસ એજન્સીના જણાવ્યા મુજબ, મે ૨૦૨૪ થી ફેબ્રુઆરી ૨૦૨૫ વચ્ચે દેશભરમાં ફિટજીના આશરે ૩૨ કોચિંગ સેન્ટરો અચાનક બંધ કરી દેવામાં આવ્યા હતા. આ મનસ્વી નિર્ણયના કારણે અગાઉથી લાખો રૂપિયાની ફી ચૂકવી ચૂકેલા ૧૪,૪૧૧ નિર્દોષ વિદ્યાર્થીઓનું શૈક્ષણિક ભવિષ્ય અધવચ્ચે અટવાઈ ગયું હતું. ઉત્તર પ્રદેશના નોઈડા તથા ગ્રેટર નોઈડા અને મધ્ય પ્રદેશના ભોપાલમાં નોંધાયેલી ચાર પ્રાથમિક ફરિયાદોના આધારે આ સમગ્ર તપાસ શરૂ કરવામાં આવી હતી. આ સંસ્થા દ્વારા જેઈઈ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓની બે થી ચાર વર્ષની તૈયારીના નામે પ્રત્યેક વિદ્યાર્થી પાસેથી રૂપિયા ૨.૮ લાખથી લઈને ૩.૫ લાખ સુધીની એડવાન્સ ફી વસૂલવામાં આવી હતી.

તપાસમાં બહાર આવેલી ચોંકાવનારી વિગતો અનુસાર, શિક્ષકો અને અન્ય કર્મચારીઓને લાંબા સમય સુધી વેતન ન ચૂકવાતા મોટાભાગના શિક્ષકોએ સંસ્થા છોડી દીધી હતી અને કેન્દ્રો બંધ થવા લાગ્યા હતા. સંચાલકો સારી રીતે જાણતા હતા કે તેઓ વચન મુજબ શિક્ષણ પૂરું પાડી શકે તેમ નથી, છતાં નવા વિદ્યાર્થીઓ પાસેથી એડવાન્સ ફી લેવાનું સતત ચાલુ રાખવામાં આવ્યું હતું. તપાસ એજન્સીએ તારણ કાઢ્યું છે કે વિદ્યાર્થીઓ પાસેથી વસૂલેલી ફીમાંથી આશરે ૮૫.૭૯ કરોડ રૂપિયાની જંગી રકમ અટકાવી રાખીને તેનો ગેરકાયદેસર રીતે દુરુપયોગ કરવામાં આવ્યો હતો. આ રકમને મની લોન્ડરિંગ નિવારણ કાયદા હેઠળ ગુનાહિત આવક તરીકે ગણીને હવે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

LATEST ARTICLES