દેશમાં શિક્ષણ પ્રણાલીને વધુ વ્યવહારુ, આધુનિક અને રોજગારલક્ષી બનાવવા તરફ એક મહત્વપૂર્ણ કદમ ઉઠાવવામાં આવ્યું છે. રાષ્ટ્રીય શૈક્ષણિક અનુસંધાન અને પ્રશિક્ષણ પરિષદ (એનસીઈઆરટી) દ્વારા ધોરણ ૯ના સામાજિક વિજ્ઞાનના નવા પાઠ્યપુસ્તકમાં સ્ટાર્ટઅપ અને ઉદ્યમિતા એટલે કે ઉદ્યોગ સાહસિકતાના વિષયને સામેલ કરવાનો નિર્ણય લેવાયો છે. આ નવી પહેલ હેઠળ વિદ્યાર્થીઓ હવે શાળા કક્ષાએથી જ નવો વ્યવસાય કે સ્ટાર્ટઅપ કઈ રીતે શરૂ કરવો અને તેને કઈ રીતે સફળતાપૂર્વક ચલાવી શકાય તે અંગેનું પાયાનું જ્ઞાન મેળવશે.
નવા અભ્યાસક્રમમાં વિદ્યાર્થીઓને મુખ્યત્વે ત્રણ મહત્વના પાસાઓ પર વિગતવાર શિક્ષણ આપવામાં આવશે. જેમાં ઉદ્યોગ સાહસિકતાનો સમાજ અને રાષ્ટ્રની અર્થવ્યવસ્થા પર શું પ્રભાવ પડે છે, કોઈપણ કારોબારના મુખ્ય કાર્યાત્મક ક્ષેત્રો કયા હોઈ શકે છે અને એક પ્રભાવશાળી વ્યાવસાયિક યોજના એટલે કે બિઝનેસ પ્લાન કઈ રીતે તૈયાર કરી શકાય તેની સચોટ માહિતી આપવામાં આવશે. આ ઉપરાંત ભારતમાં સ્ટાર્ટઅપ ક્ષેત્રની વિકાસયાત્રા તથા દેશના અર્થતંત્રમાં તેના યોગદાન અંગે પણ છણાવટ કરવામાં આવી છે. સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય દેશમાં સંશોધન, ઉદ્યોગ, સ્ટાર્ટઅપ અને ઉદ્યોગ સાહસિકતાના ચારેય સ્તંભોને પ્રાથમિક શિક્ષણ સાથે સાંકળીને યુવા પેઢીને સ્વનિર્ભર બનાવવાનો છે.
આ પાઠ્યપુસ્તકમાં માત્ર સૈદ્ધાંતિક જ્ઞાન જ નહીં, પરંતુ વાસ્તવિક જીવનના પ્રેરણાદાયી ઉદાહરણો પણ રજૂ કરવામાં આવ્યા છે. જેમાં આતિથ્ય ક્ષેત્રે અનોખી ઓળખ ઊભી કરનાર હોટેલ વ્યવસાયી મોહનસિંહ ઓબેરોયના જીવનસંઘર્ષ અને સાહસની કથા તેમજ સામાન્ય પૃષ્ઠભૂમિ ધરાવતી સાત ગૃહિણીઓએ સાથે મળીને શરૂ કરેલા વિશ્વપ્રસિદ્ધ 'લિજ્જત પાપડ'ની સફળ સફરનો સમાવેશ કરાયો છે. વિદ્યાર્થીઓ બજારની ગતિવિધિઓને પારખવી, નવી તકોની ઓળખ કરવી અને કાર્યક્ષમતાનું મૂલ્યાંકન કરવું જેવી આવડતો કેળવશે. આ સાથે આજના ડીજિટલ યુગમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (કૃત્રિમ બુદ્ધિમત્તા) જેવી અદ્યતન ટેકનોલોજી વ્યાપારિક નિર્ણયોમાં કઈ રીતે ઉપયોગી નીવડે છે તેનું માર્ગદર્શન પણ અપાશે.
