પવિત્ર આસો નવરાત્રી મહોત્સવના અવસરે નર્મદા જિલ્લાના મુખ્યાલય રાજપીપળા ખાતે આવેલ સુપ્રસિદ્ધ શ્રી હરસિદ્ધિ માતાજીના મંદિરે શ્રદ્ધા, કલા અને ભક્તિનો ત્રિવેણી સંગમ સર્જાયો છે. જગતજનની જગદંબાની આરાધના અને દર્શન માટે દૂર-દૂરથી લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ અને પદયાત્રીઓ અવિરતપણે માઈમંદિરે ઉમટી રહ્યા છે. ભક્તોના હર્ષોલ્લાસ અને 'જય માતાજી'ના ગુંજતા નારાઓથી સમગ્ર વાતાવરણ દિવ્ય બન્યું છે. દર્શનાર્થે આવતા પદયાત્રીઓ પોતાના હાથમાં પવિત્ર ધજાઓ લઈને આવી રહ્યા છે, જે ભક્તિભાવની પરાકાષ્ઠા દર્શાવે છે. આ પાવન પર્વ નિમિત્તે મંદિર તરફ જતા મુખ્ય માર્ગો ઉપર પૂજા-અર્ચનાની સામગ્રી, શ્રીફળ તેમજ ચુંદડીની દુકાનો અને મનોરંજક સ્ટોલ્સ સજાવવામાં આવ્યા છે, જેના કારણે મંદિર પરિસરમાં એક ભવ્ય મેળો જામ્યો છે અને ઉત્સવનું વાતાવરણ ચરમસીમાએ પહોંચ્યું છે.
આ આધ્યાત્મિક માહોલની સાથે-સાથે આ વર્ષે આગવું કલાત્મક આકર્ષણ પણ ઉમેરાયું છે, જેણે દર્શનાર્થીઓનું ધ્યાન વિશેષરૂપે ખેંચ્યું છે. મંદિરના પ્રાંગણમાં આવેલા સભાખંડના પ્રથમ માળે એક ભવ્ય રંગોળી પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના ઉત્સાહી અને સિદ્ધહસ્ત યુવા કલાકારોએ પોતાની કલાસાધના દ્વારા આ પ્રદર્શનમાં મા હરસિદ્ધિની દિવ્ય તેમજ આબેહૂબ પ્રતિકૃતિઓ સહીત આદ્યાશક્તિ જગદંબાના નવેય સ્વરૂપોને રંગોળીના માધ્યમથી અત્યંત સચોટતા અને જીવંતતાથી કંડાર્યા છે. રંગોના આ અદ્ભુત મિશ્રણ અને સૂક્ષ્મ કલાકારીગરીને નિહાળવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી રહ્યા છે, જે માતાજીના દર્શનની સાથે કલાના ઉપાસકો માટે પણ એક અવિસ્મરણીય લ્હાવો બની રહ્યો છે.
