JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સનસનીખેજ: પંજાબમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી રહેલા કાર્યકરની સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન જ ગોળી મારી હત્યા

Oct 13, 2026 | 12:06 | By JAMNAGAR MIRROR
સનસનીખેજ: પંજાબમાં નશાના કાળા કારોબારનો પર્દાફાશ કરી રહેલા કાર્યકરની સોશિયલ મીડિયા લાઈવ દરમિયાન જ ગોળી મારી હત્યા

પંજાબના માનસા જિલ્લામાંથી એક અત્યંત ચકચારી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. રાજ્યમાં ઘર કરી ગયેલા નશાના દૂષણ વિરુદ્ધ અવાજ ઉઠાવતા જાણીતા સામાજિક કાર્યકર પરવિન્દર સિંહ ઝોટાની જાહેરમાં ગોળી મારીને નિર્મમ હત્યા કરવામાં આવી છે. આ સમગ્ર લોહિયાળ ઘટના સોશિયલ મીડિયા પર લાઈવ પ્રસારણ દરમિયાન કેમેરામાં કેદ થઈ જતાં સમગ્ર પંજાબ સહિત દેશભરમાં ભારે આક્રોશ અને અરેરાટી વ્યાપી ગઈ છે.

પ્રાપ્ત વિગતો અનુસાર, પરવિન્દર સિંહ માનસા સ્થિત એક મેડિકલ સ્ટોર પર પ્રતિબંધિત અને નશીલી દવાઓના ગેરકાયદે વેચાણનો પર્દાફાશ કરવા માટે ગુપ્ત તપાસ (સ્ટિંગ ઓપરેશન) કરી રહ્યા હતા. આ દરમિયાન તેઓ સ્ટોર સંચાલક સાથે લાઈવ વીડિયોમાં જ સીધો સવાલ-જવાબ કરી રહ્યા હતા. વાતચીત દરમિયાન મામલો બિચક્યો હતો અને બંને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. વિવાદ એટલી હદે વકરી ગયો કે આરોપીએ અચાનક હથિયાર કાઢી પરવિન્દર પર ગોળીબાર કરી દીધો હતો. ગોળી વાગ્યા બાદ પરવિન્દરે પોતાનો જીવ બચાવવા માટે ભાગવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ ગંભીર ઈજાઓને કારણે તેઓ રસ્તા પર જ ઢળી પડ્યા હતા. તેમને તાત્કાલિક લોહીલુહાણ હાલતમાં હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

આ સનસનીખેજ હત્યાકાંડને અંજામ આપીને હુમલાખોર ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયો હતો. સ્થાનિક પોલીસે તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી અને ગોળીબાર કરનાર આરોપીની ઓળખ અશ્વિની કુમાર તરીકે કરી છે. પોલીસે હત્યાનો ગુનો નોંધીને ફરાર આરોપીને ઝડપી પાડવા માટે નાકાબંધી કરી અલગ-અલગ ટીમો રવાના કરી છે. નશાના માફિયાઓ સામે અવાજ ઉઠાવનાર એક જાગૃત નાગરિકની આ રીતે થયેલી ઘાતકી હત્યાએ રાજ્યની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

LATEST ARTICLES