વિશ્વ ફૂટબોલના દિગ્ગજ ખેલાડી ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ લિયોનેલ મેસ્સી સાથેની પોતાની દોઢ દાયકા (૧૫ વર્ષ) જૂની ઐતિહાસિક પ્રતિસ્પર્ધા પરથી પડદો ઉંચકતા એક રસપ્રદ ખુલાસો કર્યો છે. સાઉદી ક્લબ અલ-નાસ્ર તરફથી રમતા પોર્ટુગીઝ સ્ટારે જણાવ્યું કે, અગાઉ વિવિધ આંતરરાષ્ટ્રીય એવોર્ડ સમારોહ દરમિયાન તે આર્જેન્ટિનાના સ્ટાર લિયોનેલ મેસ્સી માટે અંગ્રેજી ભાષાનું ભાષાંતર (ટ્રાન્સલેશન) કરી આપતા હતા, જેથી મેસ્સી ત્યાં ચાલતી વાતચીતને સરળતાથી સમજી શકે.
રોનાલ્ડોએ સ્પષ્ટ કર્યું કે મેદાન બહાર તેમના સંબંધો હંમેશાં પરસ્પર સન્માનજનક રહ્યા છે. તેમણે પોતાની અને મેસ્સી વચ્ચેની વર્ષો જૂની સ્પર્ધાને એક 'સ્વસ્થ હરીફાઈ' ગણાવી હતી અને તેની સરખામણી ફોર્મ્યુલા વનના સુપ્રસિદ્ધ પ્રતિસ્પર્ધીઓ આયર્ટન સેના અને એલેન પ્રોસ્ટ વચ્ચેના મુકાબલા સાથે કરી હતી. રોનાલ્ડોના મતે, આ હરીફાઈએ બંને ખેલાડીઓને સતત પોતાના સર્વશ્રેષ્ઠ સ્તરે રમવા માટે પ્રેરિત કર્યા હતા.
જોકે, મેસ્સી પ્રત્યે આદર વ્યક્ત કરવા છતાં, પોતે વિશ્વના સર્વકાલીન સર્વશ્રેષ્ઠ ફૂટબોલર છે તે બાબતે રોનાલ્ડો આજે પણ પોતાના મંતવ્ય પર અડગ છે. તેમણે દાવો કર્યો હતો કે કારકિર્દી દરમિયાન તેમનો ગોલ કરવાનો અસાધારણ અને અજેય રેકોર્ડ જ તેમને ફૂટબોલ ઈતિહાસના સૌથી મહાન ખેલાડી સાબિત કરવા માટે પૂરતો છે.
