ધર્મ અને આસ્થાના નામે અંધશ્રદ્ધા ફેલાવી નિર્દોષ લોકોનું શારીરિક અને માનસિક શોષણ કરતા કહેવાતા ઢોંગી ધતિંગબાજોની કરતૂતનો વધુ એક શરમજનક કિસ્સો મહેસાણા જિલ્લાના વિસનગર તાલુકામાંથી પ્રકાશમાં આવ્યો છે. અહીં માતાજીના ભુવા તરીકે ઓળખાતા એક શખ્સે ૩૪ વર્ષીય પરિણીત મહિલાને દેવી-દેવતાના નામે ડરાવી-ધમકાવીને સતત આઠ વર્ષ સુધી પોતાની હવસનો શિકાર બનાવી હોવાની સનસનાટીભરી ફરિયાદ વિસનગર તાલુકા પોલીસ મથકે નોંધાઈ છે. આ ગંભીર મામલામાં મુખ્ય આરોપી ભુવા ઉપરાંત તેના અન્ય બે સાગરીતોએ પણ મહિલાનું શોષણ કરવાનો પ્રયાસ કર્યો હોવાનો પર્દાફાશ થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી છે.
પીડિત મહિલાએ નોંધાવેલી પોલીસ ફરિયાદ અનુસાર, મુખ્ય આરોપી કિર્તિ બાબુભાઈ ચૌધરીએ શરૂઆતમાં પરિવારની સુખાકારીના બહાને મહિલાને વિશ્વાસમાં લીધી હતી. ત્યારબાદ આરોપીએ ‘જો શારીરિક સંબંધ નહીં બાંધે તો માતાજી કોપાયમાન થશે અને તારું કુટુંબ બરબાદ થઈ જશે’ તેવી ગંભીર ધમકીઓ આપી મહિલાનું સતત શોષણ શરૂ કર્યું હતું. ભુવો મહિલાને વિજાપુર આશ્રમ ચોકડી પાસે આવેલા ગેસ્ટ હાઉસ તેમજ વિસનગર-ઊંઝા માર્ગ પર આવેલા સુંદરમ ગેસ્ટ હાઉસમાં અવારનવાર લઈ જઈ મરજી વિરુદ્ધ દુષ્કર્મ આચરતો હતો. આ અત્યાચારમાં કિર્તિ ચૌધરી ઉપરાંત શૈલેષ ચૌધરી અને હર્ષિલ ચૌધરી નામના અન્ય બે શખ્સો પણ સામેલ હતા, જેમણે મહિલાની લાચારીનો ગેરલાભ ઉઠાવી શારીરિક સંબંધ બાંધવા માટે સતત દબાણ કરી અસહ્ય માનસિક ત્રાસ આપ્યો હતો.
છેલ્લા આઠ વર્ષથી આ અમાનવીય યાતનાઓ સહન કરી રહેલી પરિણીતાએ આખરે હિંમત દાખવીને સમગ્ર આપવીતી પોલીસ સમક્ષ રજૂ કરી હતી. વિસનગર તાલુકા પોલીસે પીડિતાની ફરિયાદના આધારે ત્રણેય આરોપીઓ સામે બળાત્કાર અને ધાકધમકી સહિતની વિવિધ સંગીન કલમો હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ તંત્ર દ્વારા ઘટનાસ્થળ ગણાતા ગેસ્ટ હાઉસના સીસીટીવી ફૂટેજ, એન્ટ્રી રજિસ્ટર અને અન્ય મહત્વના પુરાવાઓ એકત્રિત કરવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. ધર્મના ઓઠા હેઠળ બહેન-દીકરીઓનું શોષણ કરનારા આવા અસામાજિક તત્વો સામે દાખલારૂપ કાર્યવાહી કરવા પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા માટે અલગ-અલગ ટીમો બનાવી તપાસ તેજ કરી છે.
