JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પાટણના સમી હાઇવે પર પોલીસ ટીમ પર દારૂની બોટલો ફેંકી બુટલેગરો ફરાર: ફોર્ચ્યુનર કાર એસટી બસ સાથે અથડાવી, લાખોનો મુદ્દામાલ જપ્ત

Oct 12, 2026 | 09:56 | By JAMNAGAR MIRROR
પાટણના સમી હાઇવે પર પોલીસ ટીમ પર દારૂની બોટલો ફેંકી બુટલેગરો ફરાર: ફોર્ચ્યુનર કાર એસટી બસ સાથે અથડાવી, લાખોનો મુદ્દામાલ જપ્ત

પાટણ જિલ્લામાં દારૂબંધીના લીરેલીરા ઉડાવતા અસામાજિક તત્વો હવે ખાખી વર્દી સામે પણ બેફામ બન્યા હોય તેવી ગંભીર ઘટના સામે આવી છે. રાધનપુર-સમી હાઇવે પર સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ચોક્કસ બાતમીના આધારે વિદેશી દારૂ ભરેલી એક આલીશાન ફોર્ચ્યુનર કારને રોકવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, પોલીસને જોઈને બુટલેગરોએ ફિલ્મી ઢબે ચાલુ વાહને દારૂની કાચની બોટલો પોલીસ વાહન તરફ ફેંકી હુમલો કરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસે જીવના જોખમે દિલધડક પીછો ચાલુ રાખતાં બુટલેગરોમાં નાસભાગ મચી ગઈ હતી.

પોલીસથી બચવા માટે ગભરાયેલા કારચાલકે પૂરપાટ ઝડપે વાહન હંકારી હાઇવે ચાર રસ્તા પાસે થરાદથી સોમનાથ તરફ જઈ રહેલી મુસાફરો ભરેલી સરકારી એસટી બસ સાથે ધડાકાભેર અથડાવી દીધું હતું. આ ગમખ્વાર અકસ્માત સર્જાયા બાદ કારમાં સવાર બુટલેગરો રાત્રિના અંધારાનો ગેરલાભ ઉઠાવીને વાહન સ્થળ પર જ મૂકીને નાસી છૂટ્યા હતા. સદનસીબે, એસટી બસના તમામ મુસાફરોનો આબાદ બચાવ થતાં એક મોટી જાનહાનિ ટળી હતી. અકસ્માતને પગલે માર્ગ પર થોડા સમય માટે ભારે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો.

તપાસ દરમિયાન અકસ્માતગ્રસ્ત ફોર્ચ્યુનર કારની તલાશી લેતાં બુટલેગરોની ભારે ચાલાકી ખુલ્લી પડી હતી. પોલીસ અને ટોલનાકા પર તપાસથી બચવા માટે આ લક્ઝુરિયસ ફોર્ચ્યુનર કાર પર હ્યુન્ડાઇ ક્રેટા કારની બનાવટી નંબર પ્લેટ લગાવવામાં આવી હતી. કારમાંથી પેટીઓમાં ભરેલો રૂપિયા ૮.૬૯ લાખની કિંમતનો વિદેશી દારૂ તેમજ રૂપિયા ૨૫ લાખની કાર મળીને કુલ રૂપિયા ૩૩.૬૯ લાખનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે.

આ સમગ્ર મામલે સરહદી વિસ્તારમાંથી દારૂની નિયમિત લાઇન ચલાવતા મોટા નેટવર્કનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલની ફરિયાદના આધારે સ્થાનિક પોલીસ મથકે કુખ્યાત લાઇન સંચાલક મુકેશ જોગાજી ઠાકોર સહિત કુલ ૭ શખ્સો સામે પ્રોહિબિશન, સરકારી ફરજમાં રુકાવટ, અકસ્માત સર્જવા તેમજ બોગસ નંબર પ્લેટના ઉપયોગ બદલ ગુનો નોંધવામાં આવ્યો છે. હાલ ફરાર થઈ ગયેલા તમામ આરોપીઓને ઝડપી પાડવા માટે પોલીસે અલગ-અલગ ટીમો બનાવી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

LATEST ARTICLES