JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

સુરતમાં પૂર્વ પ્રેમીની વાગ્દત્તાને બદનામ કરવા એઆઈથી અશ્લીલ તસવીરો વાયરલ કરનાર મહિલા ઝડપાઈ

Oct 12, 2026 | 08:44 | By JAMNAGAR MIRROR
સુરતમાં પૂર્વ પ્રેમીની વાગ્દત્તાને બદનામ કરવા એઆઈથી અશ્લીલ તસવીરો વાયરલ કરનાર મહિલા ઝડપાઈ

સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં આધુનિક ટેકનોલોજીના દુરુપયોગ થકી ચારિત્ર્યહનન કરવાનો એક અત્યંત ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. પૂર્વ પ્રેમીનું અન્ય યુવતી સાથે સગપણ નક્કી થઈ જતાં ઈર્ષ્યા અને વેરભાવમાં અંધ બનેલી એક મહિલાએ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ એટલે કે એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરીને વાગ્દત્તા અને તેની માતાની બિભત્સ તસવીરો તથા વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ કર્યા હતા. આ મામલે પીડિત પરિવાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આવતા જ ડિંડોલી પોલીસે સાયબર સેલની મદદથી સઘન તપાસ હાથ ધરી ભૂમિકા ધર્મેશભાઈ ધુલિયા નામની આરોપી મહિલાની ધરપકડ કરી જેલના સળિયા પાછળ ધકેલી દીધી છે.

પોલીસ તપાસમાં સામે આવેલી વિગતો અનુસાર, આરોપી ભૂમિકાનો ભોગ બનનાર યુવતીના મંગેતર સાથે અગાઉ પ્રેમસંબંધ હતો. જોકે, સમય જતાં બંને વચ્ચે સંબંધનો અંત આવ્યો હતો અને યુવકની સગાઈ ફરિયાદી યુવતી સાથે નક્કી થઈ હતી. પોતાના પૂર્વ પ્રેમીનું અન્ય સ્થળે સગપણ થતાં ભારે અદેખાઈ અને અદાવત રાખીને ભૂમિકાએ તે સંબંધ તોડાવવાના બદઈરાદાથી યુવતી અને તેની માતાની સાદી તસવીરો મેળવી હતી. ત્યારબાદ તેણે આધુનિક એઆઈ ટૂલ્સનો દુરુપયોગ કરી તે તસવીરોને આપત્તિજનક અને નગ્ન સ્વરૂપમાં ફેરવી નાખી હતી. આરોપીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર અલગ-અલગ નકલી આઈડી બનાવી આ વિકૃત તસવીરો તથા વીડિયો સમાજમાં વ્યાપકપણે પ્રસારિત કર્યા હતા.

સોશિયલ મીડિયા પર આવા બિભત્સ ફોટા વાયરલ થતાં પીડિત પરિવારે તાત્કાલિક ડિંડોલી પોલીસ મથકે ન્યાય માટે ધા નાખી હતી. પોલીસે માહિતી ટેકનોલોજી કાયદા હેઠળ ગુનો દાખલ કરી ડિજિટલ ફૂટપ્રિન્ટ્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે નકલી એકાઉન્ટ સંચાલિત કરતી આરોપી ભૂમિકાને ઝડપી પાડી હતી. પોલીસે આરોપી પાસેથી ગુનામાં વપરાયેલો મોબાઈલ ફોન જપ્ત કરી વધુ પુરાવા એકત્ર કરવાની કવાયત હાથ ધરી છે. આ ઘટનાએ ડિજિટલ યુગમાં સોશિયલ મીડિયાના દુરુપયોગ અને સાયબર સુરક્ષા પ્રત્યે સાવચેતીની જરૂરિયાત પર ગંભીર સવાલો ઊભા કર્યા છે.

LATEST ARTICLES