સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં સજા કાપી રહેલા અને જેલમાંથી પેરોલ કે વચગાળાના જામીન પર મુક્ત થઈને ફરાર થઈ ગયેલા રીઢા ગુનેગારોને પકડવા માટે શરૂ કરાયેલી વિશેષ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા મળી છે. હત્યા જેવા જઘન્ય અપરાધમાં નામદાર અદાલત દ્વારા આજીવન કેદની સજા પામેલો અને લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી નિયત સમયે હાજર ન થઈ ફરાર થઈ ગયેલો પાકા કામનો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે વ્યૂહાત્મક વોચ ગોઠવીને ભેસ્તાન ચાર રસ્તા પાસેથી આ વોન્ટેડ આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, સુરત ક્રાઈમ બ્રાન્ચની ટીમને ચોક્કસ બાતમી મળી હતી કે લાજપોર જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થયેલો પાકા કામનો કેદી ભેસ્તાન વિસ્તારમાં છૂપાતો ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે તાત્કાલિક ભેસ્તાન ચાર રસ્તા નજીક નાકાબંધી અને વોચ ગોઠવી હતી. તે દરમિયાન શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહેલા એક શખ્સને કોર્ડન કરી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. સઘન પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ દીપક મંગા મારૂ તરીકે થઈ હતી અને તે પેરોલ જમ્પ કરનાર વોન્ટેડ કેદી હોવાની પુષ્ટિ થઈ હતી.
આરોપી દીપક મંગા મારૂનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં આરોપીએ અંગત અદાવત અને જૂની અંટાસ રાખીને સુરતના ચોકબજાર વિસ્તારમાં ગણેશ ઉર્ફે માંજરા નામના યુવક પર જાહેરમાં જીવલેણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી તેની કરપીણ હત્યા નીપજાવી હતી. આ સનસનાટીભર્યા હત્યા કેસમાં સુનાવણી બાદ વર્ષ ૨૦૧૧માં અદાલતે આરોપી દીપકને તકસીરવાન ઠેરવી આજીવન કેદની સખત સજા ફટકારી હતી. ત્યારથી તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં સજા કાપી રહ્યો હતો.
દરમિયાન કેદી દીપક મારૂને નિયમ મુજબ જેલમાંથી હંગામી પેરોલ મંજૂર કરવામાં આવી હતી. જોકે, પેરોલની મુદત પૂર્ણ થયા બાદ નિયત તારીખે જેલમાં હાજર થવાને બદલે આરોપી પોલીસની આંખોમાં ધૂળ નાખીને નાસી છૂટ્યો હતો અને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. સુરત ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ઝડપી પાડી કાયદેસરની તમામ પ્રક્રિયા પૂર્ણ કરી તેને ફરીથી લાજપોર મધ્યસ્થ જેલના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
