સુરત શહેરમાં ગંભીર ગુનાઓમાં સજા ભોગવી રહેલા અને જેલમાંથી પેરોલ કે વચગાળાના જામીન મેળવી નાસતા ફરતા ગુનેગારોને પકડવા માટે પોલીસે હાથ ધરેલી ખાસ ઝુંબેશ અંતર્ગત ક્રાઈમ બ્રાન્ચને મોટી સફળતા સાંપડી છે. હત્યા જેવા જઘન્ય અપરાધમાં નામદાર અદાલત દ્વારા આજીવન કેદની સજા પામેલો અને લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી નિયત સમયે હાજર ન થઈને નાસી છૂટેલો પાકા કામનો કેદી આખરે પોલીસના સકંજામાં આવી ગયો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમે બાતમીના આધારે ભેસ્તાન ચાર રસ્તા પાસેથી ઘેરાબંધી કરીને આરોપીને ઝડપી પાડ્યો છે.
પોલીસ સૂત્રો પાસેથી મળતી વિગતો અનુસાર, લાજપોર મધ્યસ્થ જેલમાંથી પેરોલ રજા મેળવી ફરાર થઈ ગયેલો પાકા કામનો કેદી ભેસ્તાન વિસ્તારમાં છૂપાતો ફરી રહ્યો હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના પગલે પોલીસે તાત્કાલિક ભેસ્તાન ચાર રસ્તા નજીક વોચ ગોઠવી હતી. દરમિયાન ત્યાં શંકાસ્પદ હાલતમાં હિલચાલ કરી રહેલા શખ્સને કોર્ડન કરી અટકાયતમાં લેવામાં આવ્યો હતો. કડક પૂછપરછ દરમિયાન ઝડપાયેલા શખ્સની ઓળખ દીપક મંગા મારૂ તરીકે થઈ હતી અને તે પેરોલ જમ્પ કરી નાસતો ફરતો વોન્ટેડ કેદી હોવાની પુષ્ટિ થઈ હતી.
ઝડપાયેલા આરોપી દીપક મંગા મારૂનો ગુનાહિત ઇતિહાસ અત્યંત ગંભીર રહ્યો છે. વર્ષ ૨૦૦૮માં આરોપીએ અંગત અદાવત અને જૂની અંટાસ રાખીને સુરતના ચોકબજાર વિસ્તારમાં ગણેશ ઉર્ફે માંજરા નામના યુવક પર જાહેરમાં જીવલેણ હથિયારો વડે ઘાતકી હુમલો કરી તેની નિર્મમ હત્યા નીપજાવી હતી. આ ચકચારી હત્યા કેસમાં કોર્ટમાં કેસ ચાલ્યા બાદ વર્ષ ૨૦૧૧માં અદાલતે આરોપીને દોષિત ઠેરવી આજીવન સખત કેદની સજા ફટકારી હતી. ત્યારથી તે સુરતની લાજપોર મધ્યસ્થ જેલમાં પોતાની સજા કાપી રહ્યો હતો.
દરમિયાન નિયમ મુજબ કેદી દીપક મારૂને જેલમાંથી હંગામી પેરોલ મંજૂર કરવામાં આવી હતી, પરંતુ મુદત પૂર્ણ થવા છતાં તે નિયત તારીખે જેલમાં હાજર થવાને બદલે પોલીસની આંખોમાં ધૂળ નાખીને ભૂગર્ભમાં ઉતરી ગયો હતો. લાંબા સમયથી નાસતા ફરતા આ કેદીને ક્રાઈમ બ્રાન્ચે બાતમીના આધારે ઝડપી લીધો છે. પોલીસે કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીને ફરીથી લાજપોર મધ્યસ્થ જેલના હવાલે કરવાની તજવીજ હાથ ધરી છે.
