ભારતીય ક્રિકેટ ટીમના અનુભવી અને ઘાતક ઝડપી બોલર મોહમ્મદ શમીએ રાષ્ટ્રીય ટીમમાં પોતાની સતત થતી અવગણના અને પસંદગીકારોના વલણ સામે આખરે પોતાનું મૌન તોડ્યું છે. લાંબા સમયથી રાષ્ટ્રીય પસંદગીકારોની નજરમાંથી બહાર રહેલા શમીએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે, તે ભારતીય ટીમમાં પુનરાગમનની ચિંતા કરીને પોતાનો સમય બગાડવાને બદલે જ્યાં પણ તક મળશે ત્યાં મેદાનમાં ઉતરીને ક્રિકેટ રમવાનું ચાલુ રાખશે. પસંદગી બાબતે ઉદાસીન વલણ દાખવ્યા વિના તેણે ભારપૂર્વક કહ્યું કે, બહારના લોકો શું કહે છે અથવા સમીક્ષકો શું વિચારે છે તેનાથી તેને કોઈ ફરક પડતો નથી.
બંગાળ તરફથી રમતા આ સ્ટાર ઝડપી બોલરે રણજી ટ્રોફીની શરૂઆતની મેચમાં જ પોતાના ધારદાર પ્રદર્શનથી ટીકાકારોને જડબાતોડ જવાબ આપ્યો છે. કલ્યાણી ખાતે દિલ્હી સામે રમાયેલી મેચમાં શમીએ પ્રભાવશાળી બોલિંગનું પ્રદર્શન કરતાં માત્ર ત્રીસ રન આપીને ચાર મહત્વપૂર્ણ વિકેટો ઝડપી લીધી હતી. તેના આ શાનદાર સ્પેલના આધારે બંગાળની ટીમે પ્રથમ દિવસની રમતમાં જ દિલ્હીની આખી ટીમને બસો ચાલીસ રનમાં પેવેલિયન ભેગી કરી દીધી હતી. રેડ બોલ ક્રિકેટમાં શમીની આ ઘાતક બોલિંગે સાબિત કરી દીધું છે કે તેની લય અને રફતાર આજે પણ અકબંધ છે.
પોતાની ફિટનેસ અને બોલિંગની લય અંગે ઉઠતા પ્રશ્નોનો અંત આણતાં શમીએ ઉમેર્યું હતું કે, તેનું સમગ્ર ધ્યાન હાલ માત્ર પોતાની બોલિંગ અને ફિટનેસ પર કેન્દ્રિત છે. તેણે રોકડું પરખાવતાં કહ્યું કે, પસંદગીકારોએ જે નિર્ણયો લેવા હોય તે લેવા દો, મારું કામ પરિણામ આપવાનું છે. સ્થાનિક સ્તરે રમીને પોતાની ક્ષમતા પૂરવાર કરી રહેલા મોહમ્મદ શમીના આ આક્રમક તેવર બાદ હવે રાષ્ટ્રીય પસંદગીકારો પર પણ તેને આગામી શ્રેણીઓમાં તક આપવા માટે ભારે દબાણ સર્જાય તેવી શક્યતાઓ સેવાઈ રહી છે.
