મહીસાગર જિલ્લામાં ચાલુ ચોમાસાની ઋતુ દરમિયાન થયેલા અપૂરતા અને અનિયમિત વરસાદના કારણે સમગ્ર પંથકના ધરતીપુત્રોની ચિંતામાં મોટો વધારો થયો છે. જિલ્લાના વિવિધ વિસ્તારોમાં લાંબા સમયથી વરસાદ ખેંચાઈ જતા ખરીફ પાકો પર મોટું સંકટ તોળાઈ રહ્યું છે. ખાસ કરીને આ વિસ્તારમાં ખેડૂતો દ્વારા મોટા પાયે ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે. ડાંગરનો પાક હાલ વિકાસના મહત્વના તબક્કે હોવાથી તેને તાત્કાલિક પિયત માટે પાણીની સખત જરૂરિયાત ઊભી થઈ છે, પરંતુ વરસાદ ન વરસતાં ખેડૂતો ભારે મુશ્કેલીમાં મુકાયા છે.
વરસાદી ખેંચના કારણે ઊભો મોલ સુકાઈ જવાની અણી પર પહોંચતા લુણાવાડા, ખાનપુર, વીરપુર અને બાલાસિનોર તાલુકાના ખેડૂતો ચિંતાતુર બન્યા છે. આ તમામ પંથકના જગતના તાતે સરકાર અને સિંચાઈ વિભાગ સમક્ષ સુજલામ સુફ્લામ કેનાલમાં સત્વરે પાંચ દિવસ માટે પાણી છોડવાની ઉગ્ર માંગણી કરી છે. ખેડૂત આગેવાનોનું કહેવું છે કે જો કેનાલ મારફતે આગામી પાંચ દિવસ પૂરતા પ્રમાણમાં પાણી છોડવામાં આવે તો ખેતરોમાં ઊભેલા ડાંગરના મોલને નવજીવન મળી શકે તેમ છે અને ખેડૂતોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો નહીં આવે.
ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓ અને રાત-દિવસની અથાક મજૂરી ખર્ચીને ડાંગરનું વાવેતર કર્યું છે. ડાંગર એ વધુ પાણીની જરૂરિયાત ધરાવતો પાક હોવાથી સમયસર સિંચાઈ ન મળે તો પાક બળી જવાની પૂરેપૂરી શક્યતા છે. જો વહીવટી તંત્ર દ્વારા સુજલામ સુફ્લામ કેનાલમાં તાત્કાલિક પાણી છોડવામાં નહીં આવે તો હજારો હેક્ટર જમીનમાં ઊભો પાક નિષ્ફળ જશે અને ખેડૂતો આર્થિક પાયમાલી તરફ ધકેલાઈ જશે. તેથી વહીવટી તંત્ર અને સિંચાઈ વિભાગ ધરતીપુત્રોના હિતમાં તાકીદે યોગ્ય નિર્ણય લે તેવી પ્રબળ માંગ ઉઠી છે.
