JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

પંજાબના ચકચારી ‘મેડ સંધુ’ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ: ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસે ત્રણ શાર્પશૂટરોને વાપીમાંથી ઝડપી પાડ્યા

Oct 12, 2026 | 04:37 | By JAMNAGAR MIRROR
પંજાબના ચકચારી ‘મેડ સંધુ’ હત્યા કેસમાં મોટો ઘટસ્ફોટ: ગુજરાત એટીએસ અને વલસાડ પોલીસે ત્રણ શાર્પશૂટરોને વાપીમાંથી ઝડપી પાડ્યા

પંજાબના અમૃતસરમાં ભારે ચકચાર જગાવનારા જાણીતા સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર મધુસુદાન સિંહ ઉર્ફે 'મેડ સંધુ'ની કરપીણ હત્યા કેસમાં ગુજરાત પોલીસને અભૂતપૂર્વ સફળતા સાંપડી છે. આ હત્યાકાંડને અંજામ આપીને નાસી છૂટેલા ત્રણ મુખ્ય આરોપીઓ દક્ષિણ ગુજરાતના વલસાડ જિલ્લાના વાપી ખાતે છુપાયા હોવાની બાતમી મળતાં, ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ અને વલસાડ સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપની સંયુક્ત ટીમે ઓપરેશન પાર પાડીને ત્રણેય વોન્ટેડ શખ્સોને દબોચી લીધા છે.

બનાવની વિગતો અનુસાર, અમૃતસરના લોહારકા રોડ પર આવેલા કાર વોશિંગ સેન્ટર નજીક હુમલાખોરોએ અંધાધૂંધ ગોળીબાર કરીને મધુસુદાન સિંહ ઉર્ફે મેડ સંધુની હત્યા કરી નાખી હતી. આ ચકચારી હત્યા અંગે અમૃતસર શહેરના કેન્ટોનમેન્ટ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો હતો. ઘટના બાદ નાસી છૂટેલા આરોપીઓ ગુજરાતના વાપી વિસ્તારમાં આશરો લઈ રહ્યા હોવાની ચોક્કસ બાતમી પંજાબ પોલીસની ગુપ્તચર શાખા સીઆઇએ દ્વારા ગુજરાત એટીએસને આપવામાં આવી હતી.

આ બાતમીના આધારે નાયબ પોલીસ અધિક્ષક હર્ષ ઉપાધ્યાય અને પોલીસ ઇન્સ્પેક્ટર કૃપેશ પટેલ દ્વારા તપાસનું સંકલન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ વલસાડ એસઓજીના પોલીસ ઇન્સ્પેક્ટર ડી.ડી. પરમાર અને તેમની ટીમે વાપીમાં છાપો મારીને ત્રણેય ફરાર આરોપીઓને ઝડપી પાડ્યા હતા. પકડાયેલા આરોપીઓમાં હરવિમરનજીત સિંહ ઉર્ફે સિમુસિંઘા, ફ્તેહ સિંહ દિલબાગ સિંહ અને અરમાન સિંહ સતનામ સિંહનો સમાવેશ થાય છે. આ ત્રણેય આરોપીઓ મૂળ પંજાબના તરનતારન જિલ્લાના સદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા સૂંઢ ગામના રહેવાસી હોવાનું ખુલ્યું છે.

હાલમાં ગુજરાત એટીએસ દ્વારા ત્રણેય આરોપીઓની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી છે. આ હત્યા પાછળ કોઈ જૂની અદાવત કે ગેંગવોર જવાબદાર છે કે કેમ, તેમજ ગુજરાતમાં તેમને કોણે આશરો આપ્યો હતો તે દિશામાં પણ તપાસ તેજ કરવામાં આવી છે. પંજાબ પોલીસને આ ધરપકડ અંગે જાણ કરી દેવામાં આવી છે અને કાયદેસરની પ્રક્રિયા પૂર્ણ કરી આરોપીઓનો કબજો પંજાબ પોલીસને સોંપવામાં આવશે.

LATEST ARTICLES