રાજકોટ શહેરમાં પવિત્ર નવરાત્રિ પર્વની પૂર્વસંધ્યાએ ભરબપોરે લૂંટની એક ચોંકાવનારી ઘટના સામે આવતાં સમગ્ર પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ છે. શહેરના નાનામવા સર્કલથી સાગર ચોક તરફ જવાના મુખ્ય માર્ગ પર બપોરના આશરે અઢી વાગ્યાના સુમારે બાઈક પર સવાર થઈને જઈ રહેલા મામા-ભાણેજને બે અજાણ્યા શખ્સોએ આંતરી લીધા હતા. લૂંટારુઓ માર્ગ વચ્ચે જ તેમની પાસે રહેલો રૂપિયા અગિયાર લાખની રોકડ ભરેલો થેલો ઝૂંટવીને ગણતરીની મિનિટોમાં રફુચક્કર થઈ ગયા હતા. ભરચક જાહેર માર્ગ પર બનેલી આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે ભય અને ચકચારનો માહોલ ફેલાઈ ગયો હતો.
બનાવની વિગત અનુસાર, ભક્તિનગર વિસ્તારમાં આવેલા ઘનશ્યામનગરમાં રહેતા હરદેવસિંહ સજુભા ઝાલા અને તેમના ભાણેજ ધીરેન્દ્રસિંહ ધર્મેન્દ્રસિંહ વાઘેલા બાઈક પર રૂપિયા અગિયાર લાખની રોકડ લઈને નીકળ્યા હતા. પ્રાથમિક પૂછપરછમાં સામે આવ્યું છે કે હરદેવસિંહે અગાઉ લોન મેળવીને પોતાના ભાણેજને ધંધાના કામકાજ અર્થે નાણાકીય સહાય કરી હતી. ધીરેન્દ્રસિંહે ધંધામાંથી કમાણી કરીને આ રકમ પરત કરી હતી અને બંને જણા આ નાણાં હરદેવસિંહના સાઢુભાઈના ઘરે પહોંચાડવા જઈ રહ્યા હતા, તે દરમિયાન રસ્તામાં આ લૂંટનો બનાવ બન્યો હતો.
આ ચકચારી ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચ અને તાલુકા પોલીસ મથકનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો મોટો કાફલો તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો અને નાકાબંધી કરીને તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. જોકે, નાણાંની હેરફેર અને સમગ્ર ઘટનાક્રમની વિગતોને ધ્યાનમાં રાખીને પોલીસે ભાણેજ ધીરેન્દ્રસિંહની ભૂમિકાને પણ શંકાના દાયરામાં રાખીને ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરી છે. બીજી તરફ, લૂંટને અંજામ આપનાર બંને શખ્સોને પણ પોલીસે સકંજામાં લીધા હોવાની વિગતો સામે આવી રહી છે. આ લૂંટ પૂર્વયોજિત કાવતરું છે કે કેમ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે.
