રાધનપુર-સમી માર્ગ પર ગોચનાદ ગામ નજીક બનાસ નદીના પુલ પાસે ગેરકાયદે વિદેશી દારૂની હેરાફેરી સામે સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા હાથ ધરાયેલી કાર્યવાહી દરમિયાન અત્યંત નાટકીય અને ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. રાજ્યમાં દારૂબંધીના કડક અમલ વચ્ચે મોટી માત્રામાં ભારતીય બનાવટના વિદેશી દારૂ અને બિયરના જથ્થા સાથે પસાર થઈ રહેલી એક સફેદ રંગની ફોર્ચ્યુનર કારને પોલીસ ટીમે અટકાવવાનો સંકેત આપ્યો હતો. જોકે, કારચાલકે વાહન ઊભું રાખવાને બદલે પૂરઝડપે સમી તરફ દોડાવી મૂક્યું હતું અને બાદમાં યુ-ટર્ન લઈને ફરી રાધનપુર તરફ ભાગવા લાગ્યો હતો.
પોલીસ કાફલાને રોકવા અને પીછો અટકાવવા માટે બુટલેગરોના સાગરીતોએ ક્રેટા કારની મદદથી પોલીસ વાહનો આગળ અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. એટલું જ નહીં, બુટલેગરોએ પોલીસના વાહનો તરફ દારૂની બોટલો ફેંકી રસ્તો રોકવાની કોશિશ કરી હતી. આ ફિલ્મી પીછો ચાલુ હતો તે દરમિયાન રાધનપુર ચાર રસ્તા પાસે બેફામ દોડતી ફોર્ચ્યુનર કારના ચાલકે સ્ટીયરિંગ પરનો કાબૂ ગુમાવી સરકારી એસટી બસને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ અકસ્માતમાં એસટી બસને આશરે પચીસ હજાર રૂપિયાનું ભારે નુકસાન થયું હતું. અકસ્માત સર્જાયા બાદ પરિસ્થિતિનો લાભ લઈને ફોર્ચ્યુનર કારનો ચાલક તેમજ તેનો સાથીદાર અને પાયલોટિંગ કરતી ક્રેટા કારમાં સવાર અન્ય શખ્સો વાહન મૂકીને નાસી છૂટ્યા હતા.
સ્થાનિક રાધનપુર પોલીસ દ્વારા સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરવામાં આવતા ફોર્ચ્યુનર કારમાંથી ભારતીય બનાવટના વિદેશી દારૂની કાચની તેમજ પ્લાસ્ટિકની બોટલો અને બિયરના ટીન મળીને કુલ ૩,૮૭૧ નંગ ગેરકાયદે જથ્થો ઝડપાયો હતો. પોલીસે પચ્ચીસ લાખની કિંમતની લક્ઝરી કાર અને રૂપિયા ૮,૬૭,૯૧૩ની કિંમતનો દારૂ-બિયર મળીને કુલ રૂપિયા ૩૩,૬૯,૯૧૩નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ ચકચારી પ્રકરણમાં રાધનપુર પોલીસ મથકે ભાભરના જાસનવાડા ગામના મુકેશ જોગાજી ઠાકોર તેમજ દારૂ મંગાવનાર, મોકલનાર અને બંને કારના ચાલકો સહિત કુલ સાત શખ્સો વિરુદ્ધ કાયદેસરનો ગુનો નોંધી તમામ ફરાર આરોપીઓને ઝડપી પાડવા સઘન ચક્રો ગતિમાન કર્યા છે.
