ગુજરાત અને રાજસ્થાન રાજ્યની સરહદને અડીને આવેલા વિસ્તારોમાં નશાના કાળા કારોબાર સામે ચાલી રહેલી ઝુંબેશ વચ્ચે અરવલ્લી જિલ્લામાંથી એક ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. અરવલ્લી જિલ્લા પોલીસ વડાના માર્ગદર્શન હેઠળ એન્ટી નાર્કોટિક્સ વિંગ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રૂપ (એસઓજી)ની ટીમે સંયુક્ત ઓપરેશન હાથ ધરીને શામળાજી નજીક આવેલા ગલીસીમરો ગામમાંથી ગેરકાયદેસર ગાંજાની ખેતીનો પર્દાફાશ કર્યો છે. ખેતરમાં સામાન્ય પાકની આડમાં લહેરાતા નશાના લીલાછમ છોડ જોઈને પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા.
પ્રાપ્ત વિગતો અનુસાર, ગલીસીમરો ગામના ડામોર ફળિયામાં રહેતા અનિલ મરતા ડામોર નામના શખ્સે પોતાના કબજા હેઠળની જમીનમાં મકાઈ અને જુવારના ઊંચા પાકની વચ્ચે ગાંજાનું વાવેતર કર્યું હોવાની ચોક્કસ બાતમી પોલીસને મળી હતી. આ બાતમીના આધારે પોલીસે ફોરેન્સિક સાયન્સ લેબોરેટરી (એફએસએલ)ની ટીમને સાથે રાખીને ખેતરમાં ઓચિંતો દરોડો પાડ્યો હતો. તપાસ દરમિયાન અન્ય પાકની વચ્ચે છુપાવીને ઉગાડવામાં આવેલા ગાંજાના ૧૬૯ જેટલા લીલાછમ છોડ મળી આવ્યા હતા.
પોલીસે ખેતરમાંથી અંદાજે ૮૬ કિલો અને ૨૫૦ ગ્રામ વજન ધરાવતો ગાંજાનો જથ્થો જપ્ત કર્યો છે, જેની અંદાજિત કિંમત ૪૩.૧૨ લાખ રૂપિયા આંકવામાં આવી છે. સમગ્ર મામલે ખેતરના માલિક અનિલ ડામોરની સ્થળ પરથી જ ધરપકડ કરવામાં આવી છે. શામળાજી પોલીસ મથકે આરોપી સામે નાર્કોટિક્સ ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (એનડીપીએસ) અધિનિયમ હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી શરૂ કરવામાં આવી છે.
સરહદી પંથકમાં યુવાધનને બરબાદીના માર્ગે ધકેલતા નશાના આ દૂષણને ડામવા માટે ઉચ્ચ પોલીસ તંત્ર સતત દોડધામ કરી રહ્યું છે. જોકે, ગ્રામ્ય વિસ્તારમાં લાંબા સમયથી ચાલતી નશાની ખેતી અંગે સ્થાનિક પોલીસ અજાણ રહી હોવાથી તેની કામગીરી સામે પણ સવાલો ઊભા થઈ રહ્યા છે. હાલમાં પોલીસ દ્વારા આરોપીના રિમાન્ડ મેળવી આ નશીલા પદાર્થોનું નેટવર્ક ક્યાં સુધી ફેલાયેલું છે અને તેમાં અન્ય કોણ સંડોવાયેલું છે તે દિશામાં સઘન તપાસ તેજ કરવામાં આવી છે.
