કેરળના કોચી સ્થિત નેદુમ્બાસેરી એરપોર્ટ રોડ પર રવિવારે મોડી રાત્રે અંદાજે ૧:૪૫ વાગ્યે એક હૃદયદ્રાવક માર્ગ અકસ્માત સર્જાયો હતો. અલાપ્પુઝા સાઉથના સજીવ જમાલનો ૧૯ વર્ષીય પુત્ર સુહેલ પોતાની લક્ઝરી 'મિની કૂપર' કાર અત્યંત બેફામ ગતિએ હંકારી રહ્યો હતો, ત્યારે તેણે એક સ્કૂટરને જોરદાર ટક્કર મારી દીધી હતી. આ પ્રચંડ ટક્કરમાં સ્કૂટર સવાર ત્રણેય યુવાનો હવામાં ફંગોળાઈને રસ્તા પર પટકાયા હતા અને ઘટનાસ્થળે જ ત્રણેયના કમકમાટીભર્યા મોત નીપજ્યા હતા.
અકસ્માત સર્જ્યા બાદ ઘટનાસ્થળે એકઠા થયેલા લોકો સમક્ષ આરોપી સુહેલે કોઈ પણ પ્રકારના પસ્તાવા વગર ઉદ્ધત વર્તન કરતા કહ્યું હતું કે, "મારા પિતા બધું સંભાળી લેશે." પ્રત્યક્ષદર્શીઓના જણાવ્યા મુજબ કારની ગતિ મર્યાદા કરતા ઘણી વધારે હતી અને ટક્કર એટલી જોરદાર હતી કે સ્કૂટરના ફુરચેફુરચા ઉડી ગયા હતા.
પોલીસે આ ગંભીર મામલે તાત્કાલિક પગલાં ભરીને આરોપી સુહેલ સજીવ સામે સાપરાધ મનુષ્યવધ (Culpable Homicide) હેઠળ ગુનો નોંધી તેની ધરપકડ કરી લીધી છે. પ્રાથમિક તપાસમાં સુહેલ દારૂના નશામાં હોવાના સંકેતો મળ્યા છે, જેને પગલે નિર્ધારિત વય કરતાં ઓછી ઉંમર હોવા છતાં તેને દારૂ ક્યાંથી પીરસવામાં આવ્યો તે દિશામાં પણ તપાસ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત કારમાં હાજર તેના અન્ય એક સાથીદારની પણ પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.
