નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં દક્ષિણ ગુજરાત વીજ કંપની હેઠળ આવતા જાવલી ફીડર વિસ્તારમાં છેલ્લા દસ દિવસથી વીજળીની ભારે અનિયમિતતા સર્જાતા ખેડૂતો અને ગ્રામજનો ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે. જ્યોતિ ગ્રામ યોજના તેમજ ખેતીવાડી વીજ પુરવઠામાં વારંવાર સર્જાતા વિક્ષેપ અને અઘોષિત વીજકાપના કારણે જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. વીજળીના વારંવાર આવવા-જવાથી થતા વોલ્ટેજના ફેરફારને લીધે કૂવા અને બોરવેલ પર લાગેલી મોટરો સહિતના સાધનો બળી જવાના બનાવો બન્યા છે, જેનાથી ખેડૂતોને આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.
ચાલુ વર્ષે સાગબારા પંથકમાં જરૂરિયાત મુજબ ઓછો વરસાદ નોંધાયો છે, જેના કારણે ખેતી સંપૂર્ણપણે ભૂગર્ભજળ અને સિંચાઈ પર નિર્ભર બની છે. આવા સમયે પૂરતી વીજળી ન મળવાને કારણે કપાસ, ડાંગર, મકાઈ, તુવેર અને શાકભાજી સહિતના મોંઘા પાક સુકાઈ જવાની અણી પર પહોંચ્યા છે. સમયસર પાણી ન મળે તો ખેડૂતોની મહેનત પર પાણી ફરી વળે તેવી સ્થિતિ નિર્માણ થઈ છે. આ ઉપરાંત ગામડાઓમાં વીજળી ગુલ રહેવાથી પીવાના પાણીની મોટરો બંધ રહે છે અને વિદ્યાર્થીઓના અભ્યાસ તેમજ રોજિંદા ઘરકામ પર માઠી અસર પહોંચી રહી છે.
જાવલી ફીડર હેઠળ સર્જાયેલી આ કટોકટી સંદર્ભે રોષે ભરાયેલા ગ્રામજનો અને ખેડૂતોએ વીજ કંપનીની સાગબારા કચેરી ખાતે રજૂઆત કરી તાત્કાલિક યોગ્ય પગલાં ભરવાની માંગ કરી છે. ખેતીવાડી માટે નિયત સમયપત્રક મુજબ અવિરત વીજળી આપવા અને ગામોમાં અઘોષિત વીજકાપ કાયમી ધોરણે બંધ કરવા ભારપૂર્વક જણાવાયું છે. જો તંત્ર દ્વારા ઊભા પાકને બચાવવા માટે વહેલી તકે વીજ પુરવઠો પૂર્વવત નહીં કરવામાં આવે, તો ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે.
