નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ ૨૦૨૬માં દેશની અગ્રણી ટેલિકોમ કંપની જિયો દ્વારા ભવિષ્યની સંચાર વ્યવસ્થાને નવી દિશા આપતી અદ્યતન 'ગીગા મીમો રેડિયો' ટેક્નોલોજીનું સફળ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કંપની હવે ૬જી ટેક્નોલોજીના નવા યુગમાં પ્રવેશવા માટે સજ્જ બની રહી છે. વર્ષ ૨૦૩૦ સુધીમાં વૈશ્વિક સ્તરે આ આગામી પેઢીના નેટવર્કના માપદંડો નિર્ધારિત થાય તે પૂર્વે જ ભારતને અગ્રણી દેશોની હરોળમાં સ્થાન અપાવવા માટે કંપનીએ પોતાની પૂર્વ-૬જી સ્ટેક સિસ્ટમ અને વિશિષ્ટ રેડિયો સંસાધનો સ્વદેશી સ્તરે વિકસાવી લીધા છે.
આ નવીન સંશોધનની સૌથી મોટી વિશેષતા એ છે કે તે હાલના ૫જી નેટવર્કની તુલનામાં નેટવર્ક ક્ષમતામાં પાંચ ગણો વધારો કરશે, જ્યારે સિગ્નલ વિલંબ એટલે કે લેટન્સીમાં દસ ગણો ઘટાડો લાવશે. આ પ્રગતિના પરિણામે ડેટા ટ્રાન્સફરની ઝડપ અત્યંત તીવ્ર બનશે અને એકસાથે લાખો વપરાશકર્તાઓ કોઈપણ પ્રકારના નેટવર્ક અવરોધ વિના અતિ ઝડપી સેવાઓ મેળવી શકશે. આ અદ્યતન માળખું રિયલ-ટાઇમ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, હોલોગ્રાફિક વીડિયો સંચાર, અદ્યતન આરોગ્યસેવા અને આધુનિક શિક્ષણ ક્ષેત્રે સીમાચિહ્નરૂપ સાબિત થશે. જિયોએ એક એવું સંયુક્ત બેઝબેન્ડ યુનિટ પણ રજૂ કર્યું છે જે ૫જી અને ૬જી બંને ટેક્નોલોજીને એકસાથે ટેકો આપવા માટે સંપૂર્ણ સક્ષમ છે.
વૈશ્વિક પટલ પર ભારતનું પ્રભુત્વ સ્થાપિત કરવાના ઉદ્દેશથી કંપનીએ ૬જી સંબંધિત સેંકડો પેટન્ટ સહિત કુલ ૮,૦૦૦થી વધુ પેટન્ટ માટે અરજીઓ કરી છે, તેમજ વૈશ્વિક માનકો ઘડવામાં પણ ૯૩૪થી વધુ મહત્વપૂર્ણ યોગદાન નોંધાવ્યા છે. આ મહત્ત્વાકાંક્ષા માત્ર હાઇ-સ્પીડ ઇન્ટરનેટ પૂરતી સીમિત ન રહેતાં હાર્ડવેર, સોફ્ટવેર, પેટન્ટ અને સાયબર સુરક્ષા એમ ચારેય ક્ષેત્રોમાં સ્વનિર્ભર બનવાની છે. આગામી સમયમાં ખેડૂતો, તબીબો અને વિદ્યાર્થીઓ માટે કૃત્રિમ બુદ્ધિમત્તા આધારિત સુરક્ષિત સેવાઓ પૂરી પાડીને 'ભારતનું ૬જી' સમગ્ર વિશ્વમાં નવો અધ્યાય શરૂ કરશે.
