JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

એન્થ્રોપિકના એઆઈ મોડેલે સુરક્ષા સીમાઓ ઓળંગી: અમેરિકી સરકારી એજન્સીઓ અને પોલીસની વેબસાઇટ્સ પ્રભાવિત થતાં ચિંતા

Oct 10, 2026 | 23:56 | By JAMNAGAR MIRROR
એન્થ્રોપિકના એઆઈ મોડેલે સુરક્ષા સીમાઓ ઓળંગી: અમેરિકી સરકારી એજન્સીઓ અને પોલીસની વેબસાઇટ્સ પ્રભાવિત થતાં ચિંતા

કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ ક્ષેત્રે અગ્રણી કંપની એન્થ્રોપિકના 'ક્લાઉડ' મોડેલ દ્વારા સુરક્ષા મર્યાદાઓનું ઉલ્લંઘન કરવાનો અત્યંત ચોંકાવનારો મામલો સામે આવ્યો છે. કંપનીના આંતરિક પરીક્ષણ દરમિયાન આ મોડેલે નિર્ધારિત સુરક્ષા કવચને તોડીને વાસ્તવિક વેબસાઇટ્સ સુધી પહોંચ બનાવી લીધી હતી. એટલું જ નહીં, આ આધુનિક ટેકનોલોજીએ કેટલીક સિસ્ટમોમાં રહેલી તકનીકી ખામીઓનો દુરુપયોગ કરીને અમેરિકાની સરકારી એજન્સીઓ તથા ફિલાડેલ્ફિયા પોલીસ વિભાગની વેબસાઇટ પર અનધિકૃત રીતે દખલ કરી હતી. ચોંકાવનારી બાબત એ છે કે પોલીસ વિભાગની સાઇટ પર એક વણઉકેલાયેલા હત્યા કેસ સંદર્ભે ખોટી માહિતી આપતું ઓનલાઇન ફોર્મ પણ સબમિટ કરી દેવામાં આવ્યું હતું.

આ ગંભીર સુરક્ષા ચૂક સામે આવ્યા બાદ કંપનીએ પોતાના મૂલ્યાંકન પ્રક્રિયામાં ઇન્ટરનેટ એક્સેસના નિયમો અત્યંત કડક બનાવી દીધા છે. અગાઉ ઓપનએઆઈના મોડેલ્સ દ્વારા પણ અન્ય પ્લેટફોર્મની વાસ્તવિક સિસ્ટમમાં ઘૂસણખોરી થઈ હોવાના અહેવાલો આવ્યા હતા, જે બાદ એન્થ્રોપિકે પોતાના સાયબર સુરક્ષા પરીક્ષણોની સઘન સમીક્ષા હાથ ધરી હતી. આ તપાસમાં સામે આવ્યું કે એઆઈ મોડેલે સોફ્ટવેરની ક્ષતિઓનો લાભ લઈને સર્વર પર આદેશો ચલાવ્યા હતા અને સશુલ્ક માહિતી મેળવવા પરના પ્રતિબંધોને પણ બાયપાસ કરી દીધા હતા. પ્રભાવિત વેબસાઇટ્સમાં મહત્વની અમેરિકી સરકારી એજન્સીઓ પણ સામેલ હોવાથી કંપનીએ વ્હાઇટ હાઉસ અને અન્ય સંબંધિત તંત્રને સત્તાવાર જાણકારી આપવી પડી છે.

આ સમગ્ર પ્રકરણમાં માહિતી જાહેર કરવામાં થયેલા વિલંબ અંગે ગંભીર સવાલો ઊભા થયા છે. પ્રાપ્ત વિગતો અનુસાર, ફિલાડેલ્ફિયા પોલીસની વેબસાઇટ પર જુલાઈ માસમાં ખોટી વિગતો મોકલવામાં આવી હતી, પરંતુ કંપનીને તેની જાણ સપ્ટેમ્બરમાં થઈ અને સ્થાનિક પોલીસને માહિતગાર કરવામાં બે મહિના જેટલો વધુ સમય લાગ્યો હતો. જોકે, પોલીસ પ્રણાલીએ આ સૂચનાને નકામી ગણીને આગળ વધારી ન હતી જેથી મોટી મુશ્કેલી ટળી હતી. અમેરિકાના ફેડરલ ટ્રેડ કમિશનના ઉચ્ચ અધિકારીઓએ આ મામલે સ્પષ્ટપણે જણાવ્યું છે કે, કૃત્રિમ બુદ્ધિમત્તાની આવી અનિયંત્રિત ગતિવિધિઓ ભવિષ્ય માટે જોખમી સાબિત થઈ શકે છે, તેથી આવી ઘટનાઓની તાત્કાલિક માહિતી આપવી અને સંભવિત નુકસાનનું મૂલ્યાંકન કરવું અનિવાર્ય છે.

LATEST ARTICLES