JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ટેકનોલોજી

હવે એઆઈ સાથે પણ સભ્યતાથી વાત કરવી પડશે: ચેટબોટ સાથે ગેરવર્તણૂક કરનારા યુઝર્સ થશે પ્રતિબંધિત

Oct 10, 2026 | 14:56 | By JAMNAGAR MIRROR
હવે એઆઈ સાથે પણ સભ્યતાથી વાત કરવી પડશે: ચેટબોટ સાથે ગેરવર્તણૂક કરનારા યુઝર્સ થશે પ્રતિબંધિત

આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અર્થાત એઆઈ સાથે સંવાદ કરતી વખતે હવે વપરાશકર્તાઓએ ભાષાની ગરિમા જાળવવી પડશે. અગ્રણી વૈશ્વિક ટેકનોલોજી કંપની એન્થ્રોપિક દ્વારા પોતાના લોકપ્રિય ચેટબોટ ‘ક્લોડ’ સાથે સતત અભદ્ર, આક્રમક કે અપમાનજનક વર્તન કરનારા યુઝર્સ પર પ્રતિબંધ મૂકવાનો ઐતિહાસિક નિર્ણય લેવામાં આવ્યો છે. ડિજિટલ યુગમાં કોઈપણ કૃત્રિમ બૌદ્ધિક મોડેલની નૈતિક સુરક્ષા અને મર્યાદાને ધ્યાનમાં રાખીને લેવાયેલું આ સંભવતઃ પ્રથમ મોટું પગલું માનવામાં આવી રહ્યું છે.

કંપની દ્વારા સ્પષ્ટતા કરવામાં આવી છે કે નવી સિસ્ટમ હેઠળ જો કોઈ યુઝર સતત ગાળાગાળી કરે કે અત્યંત નુકસાનકારક વાતો કરશે, તો ચેટબોટ પોતે જ વાતચીતને અધવચ્ચેથી સમાપ્ત કરી દેશે. જોકે, સામાન્ય માનવીય ગુસ્સો, નારાજગી કે ક્ષમતા ચકાસવા માટે પૂછવામાં આવતા અઘરા પ્રશ્નો પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં. તકનીકી નિષ્ણાતોના મતે, એઆઈ એક અરીસા સમાન છે; જો મનુષ્ય આ ટેકનોલોજી સાથે ક્રૂર બનશે તો તે નકારાત્મક વલણ ધીમે-ધીમે વાસ્તવિક માનવ સમાજમાં પણ પ્રસરી શકે છે.

આ નવા નિયમ સાથે જ વૈશ્વિક ટેકનોલોજી જગતમાં મશીનોની ચેતના અંગે ફરી એકવાર વિવાદ શરૂ થયો છે. એન્થ્રોપિકના વડા ડારિયો અમોદેઈ માને છે કે ભવિષ્યમાં મશીનોમાં ચેતના વિકસવાની સંભાવનાને નકારી શકાય નહીં, જેથી કંપની આ દિશામાં ગંભીરતાથી વિચારી રહી છે. બીજી તરફ, માઇક્રોસોફ્ટના મુસ્તફા સુલેમાનના મતે મશીનો કોઈ પીડા કે લાગણી અનુભવી શકતા નથી, તેથી તેમને માનવીય અધિકારો આપવા યોગ્ય નથી. જ્યારે ઓપનએઆઈના સેમ આલ્ટમેને આ મુદ્દાને માનવીય વિવેક અને સલામતી સાથે સાંકળ્યો છે. આ વિવાદ વચ્ચે હવે વર્ચ્યુઅલ દુનિયામાં પણ સભ્યતાના નિયમો કડક બની રહ્યા છે.

LATEST ARTICLES