JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
રાજકારણ

દિલ્હી આંદોલન: શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ન અટકાવવા સુપ્રીમનો આદેશ છતાં અટકાયતો યથાવત્; ગૃહ સચિવ, દિલ્હી પોલીસ વડા અને મેટ્રો ચીફને અવમાનના નોટિસ

Oct 12, 2026 | 05:35 | By JAMNAGAR MIRROR
દિલ્હી આંદોલન: શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓને ન અટકાવવા સુપ્રીમનો આદેશ છતાં અટકાયતો યથાવત્; ગૃહ સચિવ, દિલ્હી પોલીસ વડા અને મેટ્રો ચીફને અવમાનના નોટિસ

દેશની રાજધાની દિલ્હીમાં ચૂંટણી પંચ સામે યોજાયેલા વિરોધ પ્રદર્શન વચ્ચે સુપ્રીમ કોર્ટે કડક વલણ અપનાવ્યું છે. સર્વોચ્ચ અદાલતે સ્પષ્ટ નિર્દેશ આપ્યો છે કે શાંતિપૂર્ણ પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં ન આવે. આ સાથે જ કોર્ટે ભારપૂર્વક જણાવ્યું છે કે વકીલો, પત્રકારો અને અન્ય વ્યવસાયિકોને તેમની ફરજ બજાવવામાં કોઈપણ પ્રકારનો અવરોધ ઊભો ન કરવો જોઈએ. જોકે, કોર્ટના આ આદેશ છતાં આંદોલનના બીજા દિવસે પણ સેંકડો પ્રદર્શનકારીઓની અટકાયત કરવામાં આવી હતી.

મુખ્ય ચૂંટણી કમિશનર (CEC) જ્ઞાનેશ કુમારના રાજીનામાની માંગ સાથે થઈ રહેલા વિરોધ પ્રદર્શનને રોકવા માટે દિલ્હી મેટ્રો અને ટ્રેન સેવાઓ સંપૂર્ણપણે બંધ કરવા બદલ સુપ્રીમ કોર્ટે લાલ આંખ કરી છે. સર્વોચ્ચ અદાલતે ૯ ઓક્ટોબરના પોતાના આદેશનું પ્રથમ દ્રષ્ટિએ ઉલ્લંઘન કરવા બદલ દાખલ થયેલી અદાલતી અવમાનના (કન્ટેમ્પ્ટ) અરજી સંદર્ભે કેન્દ્રીય ગૃહ સચિવ ગોવિંદ મોહન, દિલ્હી પોલીસ કમિશનર અનુરાગ કુમાર અને દિલ્હી મેટ્રો રેલ ચીફ ડી. થારા પાસેથી જવાબ માંગ્યો છે.

બીજી તરફ, આ સમગ્ર મામલે રાજકીય ગરમાવો પણ જોવા મળી રહ્યો છે અને વિપક્ષી નેતાઓ સરકાર પર આકરા પ્રહારો કરી રહ્યા છે. એનસીપી (એસપી) સાંસદ સુપ્રિયા સુળે સહિતના વિપક્ષી આગેવાનોએ પ્રદર્શનકારીઓ અને સામાન્ય નાગરિકોના બંધારણીય અધિકારો પર તરાપ મારવા બદલ કેન્દ્ર સરકારની નીતિઓની આકરી ટીકા કરી છે. સુપ્રીમ કોર્ટની આ તાકીદ છતાં પ્રશાસન દ્વારા લેવાયેલા આકરા પગલાં સામે ભારે વિરોધ વંટોળ ઊભો થયો છે.

LATEST ARTICLES