રેલવે મુસાફરી દરમિયાન મુસાફરો માટે સૌથી મોટી ચિંતા ટિકિટ કન્ફર્મ થવાની હોય છે. ખાસ કરીને તહેવારો, વેકેશન કે લગ્નસરાની મોસમમાં ટ્રેનોમાં લાંબું વેટિંગ લિસ્ટ જોવા મળે છે, જેના કારણે સામાન્ય રીતે લોકો એવું માની લેતા હોય છે કે હવે મુસાફરી કરવી અશક્ય છે. મોટાભાગના મુસાફરો એ વાતથી અજાણ હોય છે કે ટ્રેનનો અંતિમ રિઝર્વેશન ચાર્ટ તૈયાર થઈ ગયા બાદ પણ કન્ફર્મ ટિકિટ મેળવી શકાય છે. ભારતીય રેલવે દ્વારા મુસાફરોની સુવિધા માટે 'કરંટ બુકિંગ'ની વિશેષ વ્યવસ્થા ઉપલબ્ધ કરાવવામાં આવી છે, જેના થકી છેલ્લી ઘડીએ પણ પાકી ટિકિટ મેળવી શકાય છે.
સામાન્ય રીતે સવાલ એ થાય કે ચાર્ટ તૈયાર થયા પછી સીટ ખાલી કઈ રીતે રહી શકે? વાસ્તવમાં, અનેક મુસાફરો છેલ્લી ક્ષણોમાં પોતાનો પ્રવાસ રદ કરીને ટિકિટ કેન્સલ કરાવતા હોય છે. આ ઉપરાંત અન્ય ટેકનિકલ કારણોસર અથવા ક્વોટાની સીટો ન ભરાવાને લીધે પણ અમુક બર્થ ખાલી રહી જાય છે. રેલવે તંત્ર આવી ખાલી રહેલી સીટોને કરંટ બુકિંગ વ્યવસ્થા હેઠળ મૂકે છે. આ સુવિધાની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં માત્ર કન્ફર્મ ટિકિટ જ ફાળવવામાં આવે છે. એટલે કે તેમાં વેટિંગ લિસ્ટ કે આરએસી જેવી અનિશ્ચિતતા રહેતી નથી અને મુસાફરને સીધી પાકી સીટ જ મળે છે.
જોકે, મુસાફરોએ એ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે દરેક ટ્રેનમાં ચાર્ટ બન્યા પછી ટિકિટ મળશે જ તેવી કોઈ બાંહેધરી હોતી નથી. આ વ્યવસ્થા સંપૂર્ણપણે તે સમયે ઉપલબ્ધ ખાલી સીટો પર આધારિત છે. સીટોની ઉપલબ્ધતા ટ્રેન, મુસાફરીની તારીખ અને પસંદ કરેલા સ્ટેશનના આધારે બદલાઈ શકે છે. વધુમાં, કરંટ બુકિંગ હેઠળ ટિકિટ લીધા બાદ મુસાફરનું નામ, ઉંમર કે બોર્ડિંગ સ્ટેશન જેવી વિગતોમાં કોઈ પણ પ્રકારનો સુધારો કે ફેરફાર કરવાની છૂટ મળતી નથી.
અનિવાર્ય સંજોગોમાં મુસાફરી કરવી હોય ત્યારે ટ્રેન ઉપડવાના થોડા કલાકો પહેલાં ઑનલાઇન માધ્યમ કે સ્ટેશનના રિઝર્વેશન કાઉન્ટર પર સીટોની સ્થિતિ અચૂક તપાસી લેવી હિતાવહ છે. તેમ છતાં, નિયમિત અને પૂર્વ આયોજિત મુસાફરી માટે માત્ર કરંટ બુકિંગના ભરોસે ન રહેવાની સલાહ આપવામાં આવે છે, કારણ કે સીટ ખાલી હશે તો જ બુકિંગ શક્ય બનશે અન્યથા ટિકિટ મળી શકશે નહીં.
