કિડનીમાં પથરીની સમસ્યા આજના સમયમાં અત્યંત સામાન્ય બની ગઈ છે, પરંતુ પથરીનું નિદાન થતાં જ દરેક દર્દીએ ઓપરેશન કરાવવું પડે તે જરૂરી નથી હોતું. તબીબી નિષ્ણાતોના મતે, પથરી કુદરતી રીતે બહાર નીકળશે કે તેના માટે સર્જરીની જરૂર પડશે, તેનો આધાર માત્ર તેના કદ પર જ નહીં પરંતુ તેના ચોક્કસ સ્થાન, આકાર, મૂત્રમાર્ગમાં ઊભા થયેલા અવરોધ અને દર્દીની શારીરિક સ્થિતિ પર રહેલો છે. કિડનીમાંથી મૂત્રાશય તરફ જતી મૂત્રવાહિની અત્યંત સાંકડી નળી જેવી રચના ધરાવે છે. તેથી નાના કદની પથરી સરળતાથી પેશાબ વાટે બહાર નીકળી શકે છે, જ્યારે મોટો સ્ટોન રસ્તામાં અટવાઈને ગંભીર પીડા અને પેશાબના પ્રવાહમાં રુકાવટ પેદા કરી શકે છે.
આંતરરાષ્ટ્રીય તબીબી સંશોધનો અનુસાર, પાંચ મિલીમીટર કે તેનાથી નાના કદની પથરી કુદરતી રીતે શરીરમાંથી બહાર નીકળી જવાની સંભાવના આશરે ૮૭ ટકા જેટલી ઊંચી હોય છે. જો પથરીનું કદ પાંચથી દસ મિલીમીટર વચ્ચે હોય, તો તેને મધ્યમ એટલે કે જોખમી કદની ગણવામાં આવે છે. આવા કિસ્સાઓમાં પાંચથી સાત મિલીમીટરની પથરી આપમેળે નીકળવાની શક્યતા ૭૦ ટકા રહે છે, જ્યારે સાતથી દસ મિલીમીટરની પથરીમાં આ સંભાવના ઘટીને લગભગ ૪૦ ટકા થઈ જાય છે. જો પથરી દસ મિલીમીટર કરતાં વધુ મોટી હોય અથવા મૂત્રમાર્ગને સંપૂર્ણપણે અવરોધતી હોય, તો સામાન્ય રીતે સર્જરી કે આધુનિક સારવાર પદ્ધતિઓ દ્વારા તેને દૂર કરવી અનિવાર્ય બની જાય છે.
સામાન્ય રીતે લોકોમાં એવી માન્યતા હોય છે કે પુષ્કળ પાણી પીવાથી પથરી ઓગળીને બહાર નીકળી જાય છે, પરંતુ તબીબો સ્પષ્ટતા કરે છે કે દવા કે પાણીથી પથરી ઓગળવી અને તે કુદરતી રીતે બહાર ફેંકાઈ જવી એ બંને તદ્દન અલગ બાબતો છે. શરીરમાં પાણીનું સંતુલન જાળવવા અને પેશાબનો પ્રવાહ યોગ્ય રાખવા પૂરતું પાણી પીવું હિતાવહ છે, પરંતુ જો પથરીને કારણે માર્ગમાં અવરોધ ઊભો થયો હોય તો બળજબરીપૂર્વક વધુ પાણી પીવું ઊલટાનું પીડા વધારી શકે છે. દર્દીને અસહ્ય દુખાવો, પેશાબમાં રક્તસ્ત્રાવ કે ચેપ જેવાં ગંભીર લક્ષણો જણાય ત્યારે જાતે ઉપચારો કરવાને બદલે તાત્કાલિક નિષ્ણાત તબીબની સલાહ લઈને જ સારવારનો નિર્ણય કરવો જોઈએ.
