JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
કૃષિ

હિંમતનગરના સુરજપુરા ગામના ખેડૂતે બે વીઘામાં સફેદ મુસળીની ખેતી કરી ચીંધ્યો નવતર રાહ

Oct 09, 2026 | 04:48 | By JAMNAGAR MIRROR
હિંમતનગરના સુરજપુરા ગામના ખેડૂતે બે વીઘામાં સફેદ મુસળીની ખેતી કરી ચીંધ્યો નવતર રાહ

સાબરકાંઠા જિલ્લામાં પરંપરાગત ખેતીના વિકલ્પે હવે ખેડૂતો ઓછા સમયગાળામાં વધુ નફો આપતા બાગાયતી અને ઔષધીય પાકો તરફ વળી રહ્યા છે. આ દિશામાં હિંમતનગર તાલુકાના ગાંભોઈ પંથકમાં આવેલા સુરજપુરા ગામના પ્રગતિશીલ ખેડૂત પ્રગ્નેશકુમાર ભીખાભાઈ પટેલે એક નવતર પહેલ કરી છે. તેમણે પોતાના ખેતરમાં પ્રાયોગિક ધોરણે બે વીઘા જમીનમાં અત્યંત મૂલ્યવાન ઔષધીય પાક ગણાતી સફેદ મુસળીનું વાવેતર કરીને સમગ્ર ઉત્તર ગુજરાતના ખેડૂતો માટે પ્રેરણારૂપ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

ખેડૂત પ્રગ્નેશકુમારના જણાવ્યા અનુસાર, પરંપરાગત પાકોથી હટીને કંઈક નવું કરવાના વિચાર સાથે તેમણે ગત જૂન માસમાં મધ્યપ્રદેશથી ઉચ્ચ ગુણવત્તાવાળા સફેદ મુસળીના કંદમૂળ મંગાવ્યા હતા. પ્રતિ કિલો આશરે ૪૫૦ રૂપિયાના ભાવે કંદમૂળ મેળવીને બે વીઘા જમીનમાં ૪૦૦થી ૫૦૦ કિલો કંદમૂળનું પાળા પદ્ધતિથી બેડ બનાવી રોપણ કરવામાં આવ્યું હતું. પાકના પાયાના ખાતર તરીકે પ્રતિ વીઘા આશરે ૫ કિલો દિવેલીનો ખોળ અને ૬ કિલો લીંબોળીના ખોળનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સૌથી મહત્વની બાબત એ છે કે, સમગ્ર પાક દરમિયાન કોઈપણ પ્રકારની રાસાયણિક જંતુનાશક દવાઓનો ઉપયોગ કર્યા વગર સંપૂર્ણ કુદરતી માવજત કરવામાં આવી છે.

આ ઔષધીય પાક પાછળ ખેડૂતને પ્રતિ વીઘા અંદાજે બે લાખ રૂપિયા જેટલો ખર્ચ થયો છે. જૂન માસમાં રોપાયેલો આ પાક સાડા ચાર મહિનાના સમયગાળા બાદ હવે ઓક્ટોબરમાં લણણી માટે તૈયાર થઈ ચૂક્યો છે અને ટૂંક સમયમાં પાળામાંથી કંદમૂળ બહાર કાઢવામાં આવશે. ખેડૂતના પ્રાથમિક અંદાજ મુજબ પ્રતિ વીઘા આશરે ૨૫૦ થી ૩૦૦ કિલો જેટલું ઉત્પાદન મળવાની ધારણા છે. પ્રથમ વખતના આ પ્રાયોગિક વાવેતરથી મળનારા ચોખ્ખા ઉત્પાદનના આધારે આગામી વર્ષોમાં મોટા પાયે વાવેતર કરવાનો નિર્ણય લેવાશે. સુરજપુરાના ખેડૂતનો આ પ્રયોગ અન્ય ખેડૂતોને પણ આર્થિક સમૃદ્ધિ તરફ દોરી જશે.

LATEST ARTICLES