છોટાઉદેપુર જિલ્લાના બોડેલી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ખાતે વિશ્વ કપાસ દિવસના ઉપલક્ષ્યમાં ભારતીય કપાસ નિગમ લિમિટેડ અમદાવાદ દ્વારા વિશેષ 'રિફોર્મ ઉત્સવ'નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં નિગમના ઉચ્ચ પદાધિકારીઓ, કપાસના અગ્રણી વેપારીઓ તેમજ આસપાસના ગ્રામ્ય વિસ્તારમાંથી મોટી સંખ્યામાં પ્રગતિશીલ ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. આ ઉત્સવનો મુખ્ય ઉદ્દેશ્ય કપાસના વાવેતર અને ઉત્પાદનમાં ગુણવત્તા વધારવાની સાથે સાથે ખેડૂતોને આર્થિક રીતે વધુ સદ્ધર બનાવવાનો રહ્યો હતો.
સમારોહને સંબોધતા ભારતીય કપાસ નિગમના ઉચ્ચ અધિકારી રેડ્ડીએ જણાવ્યું હતું કે, ગુજરાતમાં કપાસ ખરીદી ક્ષેત્રે અભૂતપૂર્વ કામગીરી થઈ છે. નિગમ દ્વારા રાજ્યમાંથી ૯૮ લાખ ક્વિન્ટલ કપાસની વિક્રમજનક ખરીદી કરવામાં આવી હતી અને તેના પેટે અંદાજે ૩ લાખ ખેડૂતોને સીધા ૭,૯૦૦ કરોડ રૂપિયા ચૂકવી નવો રેકોર્ડ બનાવવામાં આવ્યો છે. રાજ્યમાં અત્યાર સુધીમાં ૪ લાખ ખેડૂતોએ કપાસ વેચાણ માટે સફળતાપૂર્વક નોંધણી કરાવી છે અને આગામી દિવસોમાં આ સંખ્યા ૫ લાખ સુધી પહોંચશે. તેમણે કેન્દ્ર સરકારની ‘કપાસ ક્રાંતિ’ અને ‘કસ્તુરી કોટન’ બ્રાન્ડને ખેતી ક્ષેત્રે મોટો ક્રાંતિકારી સુધારો ગણાવ્યા હતા.
નિગમના સંયુક્ત સચિવ એમ. એમ. પટેલે આ પ્રસંગે જણાવ્યું હતું કે, ધરતીપુત્રોને કપાસની ઉચ્ચ ગુણવત્તાવાળી ખેતી માટે સબસિડી, વિવિધ સહાય અને વૈજ્ઞાનિક પદ્ધતિઓની તાલીમ પૂરી પાડવામાં આવી રહી છે. જો દેશનો ખેડૂત આત્મનિર્ભર બનશે તો જ સમગ્ર દેશ સાચા અર્થમાં આત્મનિર્ભર બની શકશે. આ તબક્કે કૃષિ વૈજ્ઞાનિક ચિરાગ પટેલે ઉપસ્થિત ખેડૂતોને ટેકનિકલ માર્ગદર્શન આપતાં જણાવ્યું હતું કે, ખેતરમાં વૈજ્ઞાનિક ઢબે છોડની યોગ્ય સંખ્યા જાળવી રાખવાથી ઉત્પાદનમાં મોટો વધારો શક્ય બને છે. ખેડૂતોએ આ સમગ્ર સત્ર દરમિયાન નવીનતમ જાણકારી મેળવી સંતોષ વ્યક્ત કર્યો હતો.
