વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસાની અનિયમિતતા અને નબળા વરસાદના કારણે કૃષિ ક્ષેત્રે ગંભીર સંકટ ઊભું થયું છે. ચોમાસાની ઋતુ લંબાઈ જવા છતાં પર્યાપ્ત માત્રામાં વરસાદ ન વરસતાં તેમજ તાપમાનમાં અસામાન્ય વધારો થવાને લીધે આગામી રવિ પાકના વાવેતર અને ઉત્પાદન પર વ્યાપક માઠી અસર પડવાની દહેશત સેવાઈ રહી છે. વરસાદની ખેંચને પગલે જમીનમાં ભેજનું પ્રમાણ તળિયે બેસી ગયું છે અને સ્થાનિક જળાશયોમાં પણ પાણીનો જથ્થો ઘટતાં શિયાળુ પાકની સિઝન ખેડૂતો માટે અત્યંત પડકારજનક બની રહી છે.
પરંપરાગત માન્યતા મુજબ ભાદરવા માસનો અંતિમ વરસાદ જમીનમાં લાંબા સમય સુધી ભેજ સંગ્રહવા માટે જીવાદોરી સમાન ગણાય છે. આ ભેજના આધારે જ શિયાળુ પાકના બીજનું અંકુરણ સરળતાથી થતું હોય છે. જોકે, આ વર્ષે ભાદરવો મહિનો સાવ કોરો જતાં જમીનનો કુદરતી ભેજ સુકાઈ ગયો છે. પરિણામે વાવેતરમાં વિલંબ થઈ રહ્યો છે તેમજ ઘઉં, ચણા, દિવેલા અને રાયડો જેવા મુખ્ય શિયાળુ પાકોના વાવેતર વિસ્તારમાં મોટો ઘટાડો નોંધાય તેવી પ્રબળ શક્યતા જણાઈ રહી છે. પાણીની અનિશ્ચિતતા વચ્ચે ધરતીપુત્રો ભારે મૂંઝવણમાં મુકાયા છે.
પાદરા તાલુકાના મુવાલ, સાંઢા, વડુ, મજાતણ અને વિશ્રામપુરા જેવા ગામો શાકભાજીના ઉત્પાદન માટે જાણીતા છે. ચાલુ વર્ષે અનિયમિત ચોમાસા વચ્ચે શાકભાજીના પાકનો યોગ્ય વિકાસ થયો ન હતો અને તેમાંય કોકડવા જેવા રોગે ભરડો લેતાં પાક સાવ નિષ્ફળ ગયો હતો. આ સ્થિતિમાં કેટલાક ખેડૂતોએ તો લાચારીવશ પોતાની ઊભી વાડીઓનો જાતે જ નાશ કરવો પડ્યો હતો. ચોમાસુ પાકમાં થયેલા આર્થિક નુકસાન બાદ હવે ખેડૂતો રવિ સિઝનમાં નુકસાની ભરપાઈ કરવા માટે ઘઉં અને દિવેલા ઉપરાંત ફ્લાવર તથા કોબીજ જેવા પાકો તરફ વળી રહ્યા છે, પરંતુ સિંચાઈની તંગી તેમની ચિંતા વધારી રહી છે.
