દેશમાં કેન્સરની અત્યંત ખર્ચાળ સારવારથી પીડાતા લાખો દર્દીઓ અને તેમના પરિવારો માટે કેન્દ્ર સરકારે એક મોટો અને રાહતરૂપ નિર્ણય લીધો છે. સરકારે તમામ બિન-અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓ પર વેપાર માર્જિનની ઉપલી મર્યાદા ૩૦ ટકા સુધી સીમિત કરવાનો આદેશ કર્યો છે. ઉત્પાદકોથી લઈને વિતરકો અને છૂટક વિક્રેતાઓ સુધી વિવિધ તબક્કે વસૂલવામાં આવતા ઊંચા નફા પર લગામ કસાતા, આ દવાઓની મહત્તમ વેચાણ કિંમતમાં ૭૦ ટકા સુધીનો મોટો ઘટાડો થવાની સંભાવના છે. આ પગલાથી ગંભીર બીમારી સામે ઝઝૂમી રહેલા દર્દીઓને સારવારના અસહ્ય આર્થિક બોજમાંથી મોટી મુક્તિ મળશે.
સરકારનો આ નવો નિર્ણય માત્ર કોઈ એક ચોક્કસ દવા પૂરતો મર્યાદિત નથી, પરંતુ તમામ પ્રકારની બ્રાન્ડેડ તેમજ જેનરિક દવાઓને આવરી લે છે. આ ઉપરાંત વિદેશથી આયાત કરાયેલી અને દેશમાં ઉત્પાદિત થયેલી તેમજ પેટન્ટ ધરાવતી કે પેટન્ટ વગરની તમામ બિન-અનુસૂચિત દવાઓ આ નિયમ હેઠળ આવશે. સત્તાવાર અંદાજ મુજબ, આ નિર્ણયથી કેન્સરના દર્દીઓને વાર્ષિક અંદાજે રૂપિયા ૨,૫૦૦ કરોડ જેટલી જંગી નાણાકીય બચત થશે. કેન્સરની દીર્ઘકાલીન સારવારમાં સર્જરી, કીમોથેરાપી અને રેડિયેશન સાથે દવાઓનો ખર્ચ પરિવારોને દેવાદાર બનાવી દેતો હોય છે, ત્યારે આ નિર્ણયથી દર્દીઓના ખિસ્સા પરનો બોજ ઘટશે.
અગાઉ ફેબ્રુઆરી ૨૦૧૯ માં પણ સત્તાતંત્ર દ્વારા ૪૨ જેટલી દવાઓ પર આ પ્રકારે ૩૦ ટકા માર્જિન મર્યાદા લાદવામાં આવી હતી, જેના પરિણામે ૫૨૬ બ્રાન્ડની દવાઓના ભાવ અડધા થઈ ગયા હતા. હવે તે સફળ પ્રયોગને તમામ બિન-અનુસૂચિત કેન્સર વિરોધી દવાઓ પર લાગુ કરવામાં આવ્યો છે. આ નીતિનો મુખ્ય ઉદ્દેશ્ય વેચાણ અને વિતરણ દરમિયાન વસૂલાતા અતિશય નફાને અંકુશમાં રાખવાનો અને ઓછી કિંમતો છતાં બજારમાં તમામ જીવનરક્ષક કેન્સર દવાઓ સરળતાથી ઉપલબ્ધ રહે તે સુનિશ્ચિત કરવાનો છે.
