ગોંડલ વિસ્તારમાં પત્રકારત્વની આડમાં ખંડણી વસૂલવાનો વધુ એક ગંભીર મામલો પ્રકાશમાં આવ્યો છે. એક ઓટોબ્રોકર પરિવારને જમીન બાબતે મદદ કરવાના બહાને ધાકધમકી આપીને રૂા. દસ લાખ પડાવી લેનાર ગોંડલના કથિત પત્રકાર સામે આટકોટ પોલીસ મથકે ગુનો નોંધવામાં આવ્યો છે. આ ઘટનાએ પત્રકારત્વ જગતમાં અને સ્થાનિક સ્તરે ભારે ચર્ચા જગાવી છે અને પોલીસ દ્વારા આરોપીનો કબ્જો મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.
મૂળ જસદણના વિરનગરના વતની અને હાલ રાજકોટમાં રહેતા યુવાને પોલીસ સમક્ષ નોંધાવેલી ફરિયાદ મુજબ, તેમના પરિવારની જમીનનો વિવાદ ચાલી રહ્યો હતો. આ જમીનનો પ્રશ્ન ઉકેલીને તેને ચોખ્ખી કરાવી આપવાનું કહીને ગોંડલના કથિત પત્રકાર રવી રામાણીએ પીડિત પરિવારનો સંપર્ક કર્યો હતો. શરૂઆતમાં મદદનો વિશ્વાસ અપાવનાર આ શખ્સે બાદમાં પોતાની પત્રકાર હોવાની ઓળખનો ખોટો ફાયદો ઉઠાવીને દસ લાખ રૂપિયાની માંગણી કરી હતી. જો નાણાં નહીં આપવામાં આવે તો સોશિયલ મીડિયા પર ખોટા સમાચારો બનાવીને વાયરલ કરવાની અને પિતા-પુત્ર સામે ગંભીર ગુનાહિત ફરિયાદો દાખલ કરાવવાની ધમકી આપી હતી.
ડરના માર્યા પીડિત યુવાને આંગડીયા મારફતે ગોંડલ સુધી નાણાં પહોંચાડ્યા હતા. નાણાં લીધા બાદ પણ આરોપી દ્વારા જમીન બાબતે કોઈ જ કામગીરી કરવામાં આવી ન હતી અને ફોન પણ બંધ કરી દીધા હતા. લાંબી મથામણ છતાં ન તો જમીનનું કામ થયું અને ન તો નાણાં પરત મળ્યા, જેથી આખરે આટકોટ પોલીસ મથકમાં ખંડણી સહિતની કલમ હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે. અગાઉથી જ અન્ય ગુનામાં પકડાયેલા આ કથિત પત્રકાર વિરુદ્ધ વધુ એક ગંભીર ગુનો નોંધાતા પોલીસ દ્વારા કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
