હાલના સમયમાં બદલાતી જીવનશૈલી વચ્ચે હૃદય સંબંધિત બીમારીઓ ચિંતાજનક રીતે વધી રહી છે, જેમાં કાર્ડિયાક અરેસ્ટ સૌથી વધુ જીવલેણ સાબિત થાય છે. કાર્ડિયાક અરેસ્ટની સ્થિતિમાં વ્યક્તિનું હૃદય અચાનક ધબકવાનું બંધ કરી દે છે. હૃદયની કુદરતી વિદ્યુત સંચાલન પ્રણાલીમાં અચાનક ખામી સર્જાવાને કારણે આ સ્થિતિ પેદા થાય છે. પરિણામે મગજ તેમજ શરીરના અન્ય મહત્વપૂર્ણ અંગો સુધી લોહી અને ઓક્સિજન પહોંચવાનું તાત્કાલિક બંધ થઈ જાય છે. આ કટોકટીભરી સ્થિતિમાં પ્રત્યેક સેકન્ડ અત્યંત કિંમતી હોય છે અને એક પળનો વિલંબ પણ દર્દી માટે જીવલેણ સાબિત થઈ શકે છે.
તબીબી દ્રષ્ટિએ, જો પરિવારમાં અગાઉ કોઈને કાર્ડિયાક અરેસ્ટનો ઇતિહાસ રહ્યો હોય અથવા વ્યક્તિ પહેલેથી જ હૃદયરોગથી પીડાતી હોય, તો તેના માટે આ જોખમ અનેકગણું વધી જાય છે. જોકે, હૃદય સંપૂર્ણપણે બંધ પડે તે પહેલાં શરીર ચોક્કસ સંકેતો દ્વારા ચેતવણી આપે છે. વ્યક્તિ બેભાન થાય તે પહેલાં છાતીમાં અસહ્ય દુખાવો, ભારે દબાણ, જકડન કે બળતરા અનુભવાય છે. આ દુખાવો ધીમે-ધીમે હાથ, ખભા, પીઠ, ગરદન કે જડબા સુધી ફેલાવા લાગે છે. આ ઉપરાંત દર્દીને ઉલટી થવી, પેટમાં ગરબડ થવી કે અચાનક ચક્કર આવવા જેવા લક્ષણો પણ જોવા મળે છે.
આ સિવાય ઓક્સિજનના અભાવે વ્યક્તિને શ્વાસ લેવામાં ભારે તકલીફ પડવા લાગે છે. સામાન્ય શારીરિક હલનચલન કે આરામની સ્થિતિમાં પણ શ્વાસ ચઢવો અને ખૂબ હાંફ ચઢવો એ ગંભીર બાબત છે. સાથે જ હૃદયના ધબકારા અસામાન્ય રીતે અત્યંત ઝડપી કે ધીમા થઈ જવા અથવા અનિયમિત બનવા એ પણ મોટા જોખમની નિશાની છે. શરીરમાં આવા કોઈ પણ અસામાન્ય ફેરફાર જણાય ત્યારે તેને સામાન્ય ગેસ કે એસિડિટી ગણીને અવગણવાની ભૂલ ક્યારેય કરવી જોઈએ નહીં.
જો કોઈ વ્યક્તિ અચાનક ઢળી પડે, બેભાન થઈ જાય, તેની નાડી ન મળતી હોય કે તે માત્ર હાંફતી હોય, તો તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવી જરૂરી બને છે. આવી સ્થિતિમાં વિલંબ કર્યા વગર દર્દીને તાબડતોબ સીપીઆર આપવું જોઈએ, જેથી હૃદય અને મગજમાં રક્તપ્રવાહ જળવાઈ રહે. એક પણ ક્ષણ ગુમાવ્યા વગર એમ્બ્યુલન્સ બોલાવી દર્દીને આઈસીયુ સુવિધા ધરાવતી હોસ્પિટલમાં પહોંચાડવો જોઈએ. સમયસર ઓળખાયેલા લક્ષણો અને ત્વરિત પગલાં કોઈ નિર્દોષનો જીવ બચાવી શકે છે.
