નવી દિલ્હી ખાતે આયોજિત ઇન્ડિયા મોબાઈલ કોંગ્રેસના દસમા સંસ્કરણને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ટેલિકોમ ક્ષેત્ર હવે માત્ર નેટવર્ક, સ્પેક્ટ્રમ કે ઇન્ટરનેટ સ્પીડ પૂરતું સીમિત નથી રહ્યું. મોબાઈલ કનેક્ટિવિટી હવે વહીવટી પારદર્શિતા અને નાગરિક સેવાઓ સુધી પહોંચવાનું મુખ્ય સાધન બની ગઈ છે. છેલ્લા એક દાયકામાં સામાન્ય વાતચીતના સાધનમાંથી પરિવર્તિત થઈને મોબાઈલ ફોન આજે દેશમાં સુશાસનનું એક ઉત્તમ માધ્યમ બની ચૂક્યો છે. તેમણે કોરોના મહામારીના સમયગાળાને યાદ કરતા જણાવ્યું હતું કે તે મુશ્કેલ સમયમાં ભારતના મજબૂત ડિજિટલ ઇકોસિસ્ટમે દેશને અવિરત ગતિશીલ રાખવામાં નિર્ણાયક ભૂમિકા ભજવી હતી.
દેશની ટેલિકોમ સફરને યાદ કરતાં વડાપ્રધાને જણાવ્યું કે વર્ષ ૨૦૨૨માં આ જ મંચ પરથી ભારતમાં ફાઈવ-જી સેવાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ દેશ ફાઈવ-જી રોલઆઉટથી આગળ વધીને છેવાડાના વિસ્તારો સુધી પહોંચ્યો છે. આજે દેશના દરેક જિલ્લા સુધી અદ્યતન ફાઈવ-જી કનેક્ટિવિટી પહોંચી ચૂકી છે. હાલમાં દેશભરમાં સાડા પાંચ લાખથી વધુ બેઝ સ્ટેશનો કાર્યરત છે અને વર્ષ ૨૦૨૨ની સરખામણીએ મોબાઈલ ઇન્ટરનેટની ઝડપ દસ ગણી વધી ગઈ છે. આ સિવાય વર્ષ ૨૦૨૪માં ભારતે આંતરરાષ્ટ્રીય ટેલિકોમ્યુનિકેશન યુનિયનની યજમાની કરીને વૈશ્વિક સ્તરે પણ પોતાની આગવી ઓળખ ઊભી કરી છે.
ભૂતકાળની સ્થિતિ પર પ્રકાશ પાડતાં તેમણે ઉમેર્યું કે, એક દાયકા પહેલા ડિજિટલ અસમાનતા દેશ માટે એક મોટો પડકાર હતો અને નવી ટેકનોલોજી માત્ર વિશેષાધિકાર ધરાવતા વર્ગ પૂરતી સીમિત હતી. જોકે, ડિજિટલ ઇન્ડિયા અભિયાન હેઠળ સરકારે સામાન્ય નાગરિકો અને મોબાઈલ ફોનને કેન્દ્રમાં રાખીને તમામ સરકારી સેવાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડી છે. ચાલુ વર્ષની વિષયવસ્તુ સીમાઓ વિનાના પ્રસારને પ્રતિબિંબિત કરે છે. ટેલિકોમ ક્ષેત્રના વિકાસને માત્ર ગતિ કે ટેકનિકલ માપદંડોથી નહિ, પરંતુ સામાન્ય નાગરિકોના જીવનમાં આવેલા સરળ અને સકારાત્મક પરિવર્તનથી મૂલવવો જોઈએ.
