યુરોપના અનેક દેશોમાં વીકએન્ડ દરમિયાન ભીષણ વિરોધ પ્રદર્શનો ફાટી નીકળ્યા હતા. વધતી મોંઘવારી, જીવન જરૂરિયાતની વસ્તુઓના આકાશને આંબતા ભાવ અને સરકારોની નિષ્ફળતા સામે જનતાનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. ફ્રાન્સ, ઇટાલી, અલ્બેનીયા, સ્પેન અને પોર્ટુગલ સહિતના દેશોમાં હજારોની સંખ્યામાં નાગરિકો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કર્યા હતા. આ પ્રદર્શનોમાં પ્રજાએ પર્યાપ્ત આવાસ, ગુણવત્તાસભર શિક્ષણ અને જાહેર પેન્શનની સુરક્ષાની જોરદાર માંગણી કરી હતી.
આ વિરોધ પ્રદર્શનોએ કેટલાક સ્થળોએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું. ખાસ કરીને ફ્રાન્સ અને ઇટાલીમાં દેખાવકારો અને પોલીસ વચ્ચે ઉગ્ર ઘર્ષણ જોવા મળ્યું હતું. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે સુરક્ષા દળોએ બળપ્રયોગ કરવો પડ્યો હતો, જેના કારણે અનેક પ્રદર્શકો અને પોલીસકર્મીઓ ઘાયલ થયા હોવાના અહેવાલ છે. આ અશાંતિ દરમિયાન કાયદો અને વ્યવસ્થા જાળવવાના ભાગરૂપે પોલીસ દ્વારા મોટી સંખ્યામાં તોફાનીઓની ધરપકડ પણ કરવામાં આવી છે.
આ વ્યાપક વિરોધ પ્રદર્શન પાછળનું મુખ્ય કારણ છેલ્લા કેટલાક સમયથી સમગ્ર યુરોપમાં સતત વધી રહેલો જીવન નિર્વાહનો ખર્ચ છે. સામાન્ય નાગરિકો માટે બે ટંકની રોટલી મેળવવી પણ મુશ્કેલ બની રહી છે અને સરકારી ભ્રષ્ટાચારને કારણે પ્રજાનો રોષ ભભૂકી ઉઠ્યો છે. આર્થિક અસ્થિરતા વચ્ચે સરકારો દ્વારા લેવામાં આવતા નિર્ણયો જનતા વિરોધી સાબિત થઈ રહ્યા છે. આગામી સમયમાં જો આ સમસ્યાઓનું કોઈ યોગ્ય નિરાકરણ નહીં આવે તો આંદોલન વધુ ઉગ્ર બનવાની પૂરી શક્યતાઓ વર્તાઈ રહી છે.
