દેશમાં કફ સિરપના અયોગ્ય ઉપયોગ અને તેના કારણે માસૂમ બાળકોના સ્વાસ્થ્ય પર તોળાતા જોખમને અટકાવવા માટે કેન્દ્ર સરકાર દ્વારા એક અત્યંત મહત્ત્વપૂર્ણ અને કડક પગલું ભરવામાં આવી રહ્યું છે. કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંસ્થા હેઠળ કાર્યરત ડ્રગ્સ કન્સલ્ટેટિવ કમિટી દ્વારા કફ સિરપની બોટલો તેમજ તેના પેકિંગ બોક્સ પર નાના બાળકો, શિશુઓ કે રમકડાંના ચિત્રો છાપવાના પ્રસ્તાવને સ્પષ્ટપણે ફગાવી દેવામાં આવ્યો છે. તજજ્ઞોની સમિતિનું દ્રઢપણે માનવું છે કે આવા આકર્ષક ચિત્રોને કારણે સામાન્ય લોકો તથા વાલીઓમાં ગંભીર ગેરસમજ ઊભી થાય છે કે આ દવા શિશુઓ કે નાના ભૂલકાંઓ માટે તદ્દન સલામત છે.
આ ગેરસમજ અને જીવલેણ જોખમોને નાથવા માટે હવે દવા નિર્માતા કંપનીઓ માટે બોટલના લેબલ પર સીધી અને સ્પષ્ટ ચેતવણી લાલ રંગના અક્ષરોમાં દર્શાવવાની ભલામણ કરવામાં આવી છે. કેન્દ્ર સરકાર આ ભલામણ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને ટૂંક સમયમાં ઔષધ નિયમોમાં સુધારો કરીને નવો આદેશ લાગુ કરી શકે છે. પ્રસ્તાવિત નિયમ અનુસાર હવે કફ સિરપની બોટલ પર મોટા અક્ષરે લાલ રંગમાં "ચેતવણી: કફ સિરપનો ઉપયોગ ૪ વર્ષથી નાનાં બાળકો માટે કરવો નહીં" તેવું લખાણ અંકિત કરવું કાયદાકીય રીતે ફરજિયાત બનાવવામાં આવશે.
અગાઉ સમિતિ સમક્ષ એવો વિચાર પણ રજૂ કરાયો હતો કે બોટલ પર શાળાએ જતા મોટા વયના બાળકોના ચિત્રો મૂકવામાં આવે જેથી લોકો સમજી શકે કે આ દવા માત્ર મોટા બાળકો માટે છે. જોકે, સમિતિએ આ બાબત પણ નકારી કાઢી હતી અને જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારનું ચિત્ર ગ્રાહકોમાં ભ્રમ પેદા કરી શકે છે. આથી ચિત્રોને સંપૂર્ણપણે હટાવીને માત્ર લાલ રંગની સ્પષ્ટ ચેતવણી જ દર્શાવવાનો નિર્ણય લેવાયો છે. ભૂતકાળમાં શિશુઓને કફ સિરપ આપવા અંગે માર્ગદર્શિકા જાહેર કરાઈ હોવા છતાં આવી ફરિયાદો ચાલુ રહી હતી, જેના કારણે હવે આ કડક કાનૂની માળખું અમલી બનાવી બાળકોની આરોગ્ય સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવશે.
