JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

કફ સિરપની બોટલ પર બાળકોનાં ચિત્રો છાપવા પર પ્રતિબંધ: લાલ અક્ષરોમાં ચેતવણી દર્શાવવી ફરજિયાત બનશે

Oct 07, 2026 | 16:52 | By JAMNAGAR MIRROR
કફ સિરપની બોટલ પર બાળકોનાં ચિત્રો છાપવા પર પ્રતિબંધ: લાલ અક્ષરોમાં ચેતવણી દર્શાવવી ફરજિયાત બનશે

નાનાં બાળકોના સ્વાસ્થ્ય અને સુરક્ષાને સર્વોચ્ચ પ્રાથમિકતા આપીને કેન્દ્રીય ઔષધ માનક નિયંત્રણ સંસ્થા હેઠળની નિષ્ણાત સમિતિ દ્વારા એક મોટો અને કડક નિર્ણય લેવામાં આવ્યો છે. હવેથી કફ સિરપની બોટલો તેમજ તેના બોક્સ પર નાનાં બાળકો, શિશુઓ કે રમકડાંનાં ચિત્રો છાપવાના પ્રસ્તાવને સમિતિએ ફગાવી દીધો છે. ઔષધ સલાહકાર સમિતિનું સ્પષ્ટપણે માનવું છે કે દવાના પેકિંગ પર આવાં આકર્ષક ચિત્રો દર્શાવવાથી વાલીઓ અને સામાન્ય નાગરિકોમાં ગેરસમજ પેદા થાય છે કે આ દવા શિશુઓ માટે નિર્દોષ અને યોગ્ય છે. આ ભ્રમણાને કારણે બાળકોના સ્વાસ્થ્ય સામે ગંભીર જોખમ ઊભું થતું હોવાથી આ નિર્ણય લેવાયો છે.

કેન્દ્ર સરકાર આ મહત્વપૂર્ણ ભલામણ પર ગંભીરતાથી વિચારણા કરી રહી છે અને ખૂબ જ ટૂંકા સમયમાં ઔષધ નિયમો, ૧૯૪૫ના નિયમ ૯૬માં સુધારો કરીને નવો કાયદો અમલી બનાવી શકે છે. નવા પ્રસ્તાવ મુજબ બોટલ પર કોઈ પણ ચિત્ર રાખવાને બદલે તેના લેબલ પર મોટા અને સ્પષ્ટ લાલ રંગના અક્ષરોમાં ચેતવણી છાપવી ફરજિયાત બનશે. તેમાં "ચેતવણી: કફ સિરપનો ઉપયોગ ૪ વર્ષથી નાનાં બાળકો માટે કરવો નહીં" તેવું સ્પષ્ટ લખાણ દર્શાવવું પડશે. અગાઉ મોટાં બાળકોનાં ચિત્રો મૂકવાનો વિચાર આવ્યો હતો, પરંતુ સમિતિએ સ્પષ્ટ કર્યું કે કોઈ પણ પ્રકારની તસવીર ગ્રાહકોમાં ભ્રમ પેદા કરી શકે છે, તેથી સીધી ચેતવણી જ શ્રેષ્ઠ માર્ગ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, આરોગ્ય સેવા મહાનિદેશાલય દ્વારા અગાઉ બે વર્ષથી નાનાં બાળકોને કફ સિરપ ન આપવા માટે માર્ગદર્શિકા બહાર પાડવામાં આવી હતી. તેમ છતાં શિશુઓને આ દવાઓ આપવાની ફરિયાદો સતત સામે આવતી રહેતાં તકનીકી સમિતિએ આ બાબતની પુનઃ સમીક્ષા કરી હતી. દેશભરમાં શિશુઓ અને નાનાં ભૂલકાંઓને અયોગ્ય દવાઓના સેવનથી બચાવવા તથા તેમના સ્વાસ્થ્યની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે આ કડક પગલું લેવામાં આવ્યું છે, જેનાથી બિનજરૂરી દવાનો વપરાશ અટકશે.

LATEST ARTICLES