JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
આરોગ્ય

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફૂડ શાખાની કાર્યવાહી બાદ સુપરિન્ટેન્ડેન્ટની ઓચિંતી મુલાકાત: દર્દીઓનું ભોજન જાતે ચાખી ગુણવત્તાની કરી સમીક્ષા

Oct 07, 2026 | 15:44 | By JAMNAGAR MIRROR
રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ફૂડ શાખાની કાર્યવાહી બાદ સુપરિન્ટેન્ડેન્ટની ઓચિંતી મુલાકાત: દર્દીઓનું ભોજન જાતે ચાખી ગુણવત્તાની કરી સમીક્ષા

રાજકોટ મહાનગરપાલિકાની ફૂડ શાખા દ્વારા કરવામાં આવેલી તપાસ બાદ પીડીયુ સિવિલ હોસ્પિટલ તંત્ર સફાળું જાગ્યું છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓને અપાતા ભોજનની ગુણવત્તા, સ્વચ્છતા અને સમગ્ર વિતરણ વ્યવસ્થાની વાસ્તવિક સ્થિતિ જાણવા માટે મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટ ડોક્ટર કમલસિંહ ડોડીયા દ્વારા રસોડા વિભાગની આકસ્મિક મુલાકાત લેવામાં આવી હતી. આ મુલાકાત દરમિયાન તેમણે સમગ્ર વ્યવસ્થાનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું અને જવાબદાર અધિકારીઓ તેમજ કર્મચારીઓ પાસેથી કામગીરી અંગે વિગતવાર અહેવાલ મેળવ્યો હતો.

આ નિરીક્ષણ દરમિયાન મેડિકલ સુપરિન્ટેન્ડેન્ટે દર્દીઓ માટે નિયત કરાયેલા ભોજનના મેનુ, કાચી સામગ્રીની ગુણવત્તા, રસોઈ બનાવવાની પ્રક્રિયા તેમજ રસોડા પરિસરમાં જળવાતી સ્વચ્છતા અંગે ઊંડાણપૂર્વક માહિતી મેળવી હતી. આહારની શુદ્ધતા અને સ્વાદની પ્રત્યક્ષ ખાતરી કરવા માટે સુપરિન્ટેન્ડેન્ટે પોતે દર્દીઓ માટે તૈયાર થયેલું ભોજન આરોગ્યું હતું. આ ઉપરાંત, તૈયાર થયેલું ભોજન યોગ્ય તાપમાને અને સમયસર દર્દીઓના વોર્ડ સુધી પહોંચાડવામાં આવે છે કે નહીં તેની સંપૂર્ણ વિતરણ વ્યવસ્થાની પણ તેમણે જાતે ખરાઈ કરી હતી.

મુલાકાતના અંતે તેમણે રસોડા વિભાગના જવાબદાર સ્ટાફને તાકીદ કરતાં જણાવ્યું હતું કે, દર્દીઓના ઝડપી સ્વાસ્થ્ય સુધારા માટે પૌષ્ટિક અને શુદ્ધ આહાર અત્યંત જરૂરી છે. ભોજનની ગુણવત્તા અને સ્વચ્છતાના નિર્ધારિત ધોરણોમાં કોઈપણ પ્રકારની લાપરવાહી સહન કરવામાં આવશે નહીં. હોસ્પિટલ પ્રશાસન દર્દીઓને માત્ર ઉચ્ચ તબીબી સારવાર જ નહીં, પરંતુ તેમની તમામ પાયાની જરૂરિયાતો અને પોષણક્ષમ આહાર પણ શ્રેષ્ઠ સ્તરે પૂરો પાડવા માટે સતત પ્રયત્નશીલ છે. આ ઓચિંતી તપાસથી હોસ્પિટલ પરિસરમાં કામગીરી પ્રત્યે વિશેષ સજાગતા જોવા મળી હતી.

LATEST ARTICLES