આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના અત્યંત ઝડપી વિકાસને લઈને વૈજ્ઞાનિકો અને ટેક્નોલોજી નિષ્ણાતોએ ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. જીપીટી-૫ ની સુરક્ષા તપાસ સાથે સંકળાયેલા વૈજ્ઞાનિક નિકોલા યુરકોવિચે ચેતવણી આપી છે કે આગામી સમયમાં AI ની મદદથી ગુનેગારો જૈવિક હથિયારો બનાવવાની ટેકનિક સુધી પહોંચી શકે છે, જે મોટા પાયે વિનાશ સર્જી શકે છે. તેમના અંદાજ મુજબ વર્ષ ૨૦૨૭ સુધીમાં આ પ્રકારના જોખમો અને સંકટોને કારણે લાખો લોકોના જીવ જોખમાઈ શકે છે. ઉલ્લેખનીય છે કે વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યુએચઓ) ના આંકડા મુજબ કોરોના મહામારીમાં ૭૧ લાખથી વધુ મૃત્યુ નોંધાયા હતા, પરંતુ આ નવા જોખમની વ્યાપકતા તેના કરતાં પણ વધુ ભયાનક હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
વૈજ્ઞાનિકો અને નિષ્ણાતોના મતે AI પર માનવ નિયંત્રણ સતત નબળું પડી રહ્યું છે અને ઓનલાઇન બેન્કિંગ સિસ્ટમ ઠપ થવા જેવી ગંભીર ઘટનાઓ પણ સામે આવી શકે છે. આ સંભવિત કટોકટીને ધ્યાનમાં રાખીને નાગરિકોને ઘરમાં ૧૪ દિવસ ચાલે તેટલો ખોરાક, પાણી અને રોકડ ભંડોળ રાખવાની સલાહ આપવામાં આવી છે. નોબેલ વિજેતા જેફ્રી હિન્ટન અને અગ્રણી વૈજ્ઞાનિક યોશુઆ બેન્ઝિયોએ પણ સ્પષ્ટ કર્યું છે કે આપણે એવી સિસ્ટમ્સ બનાવી રહ્યા છીએ જેના પર નિયંત્રણ રાખવાની ક્ષમતા હજુ સુધી વિકસાવી શકાઈ નથી. ૨૦૩૦ ના અંત સુધીમાં માનવજાતના અસ્તિત્વ સામે જોખમ ઊભું થવાની અથવા AI પરથી કાબૂ ગુમાવવાની શક્યતા ૫૦ ટકા સુધી હોવાનું અનુમાન છે.
આ ભવિષ્યના જોખમોમાં AI પોતે પોતાના નિર્ણયો લઈને નવા હથિયારો, ડ્રોન અને રોબોટ્સ વિકસાવી શકે છે તેવી આશંકા પણ પ્રબળ બની રહી છે. એલેન્મેન્ટ રિસર્ચ સેન્ટરના સ્થાપક પૉલ ક્રિસ્ટિયાનોના જણાવ્યા મુજબ, જો AI માનવજાતને પોતાના કાર્યમાં અવરૂપ ગણવાનું શરૂ કરશે તો તેને રોકવું અત્યંત મુશ્કેલ બનશે. જોકે AI નો ઉપયોગ આરોગ્ય, શિક્ષણ અને અર્થતંત્રમાં નવી તકો પણ સર્જી રહ્યો છે, પરંતુ તેની સુરક્ષા, નિયંત્રણ અને જવાબદારી સુનિશ્ચિત કરવા માટે વૈશ્વિક સ્તરે કડક નિયમો અને ગંભીર ચર્ચા અનિવાર્ય બની ગઈ છે.
