દિલ્હીના વિશ્વાસનગર વિસ્તારમાં આવેલી ગલી નંબર-૧૧માં રવિવારે વહેલી સવારે લગભગ ૪:૧૫ વાગ્યે એક દુર્ઘટના ઘટી હતી. શાહદરાના સેન્ટ્રલ બિઝનેસ ડિસ્ટ્રિક્ટ વિસ્તારમાં આવેલા આ મકાનના બેઝમેન્ટમાં અનેક ઈ-રિક્શા પાર્ક કરવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસ અનુસાર, આ ઈ-રિક્શાને ચાર્જિંગ પર મૂકવામાં આવ્યા હતા તે દરમિયાન ચાર્જિંગ પોઈન્ટમાં કોઈ કારણસર શોર્ટ સર્કિટ કે સ્પાર્ક થવાથી આગ ફાટી નીકળી હતી. મકાનના બંધ અને ભોંયતળિયાની જગ્યા હોવાને કારણે આગે ક્ષણભરમાં વિકરાળ સ્વરૂપ ધારણ કરી લીધું હતું અને ધુમાડો સમગ્ર મકાનમાં ફેલાઈ ગયો હતો.
આ ભીષણ આગની સૂચના મળતાની સાથે જ સ્થાનિક પોલીસ અને ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. બચાવ કામગીરી દરમિયાન મકાનના મેઝેનાઈન ફ્લોર પરથી કુલ છ લોકોને સુરક્ષિત બહાર કાઢવામાં આવ્યા હતા. જો કે, આગની તીવ્ર ઝપેટમાં આવી જવાના કારણે ચાર વ્યક્તિઓના ઘટનાસ્થળે જ પ્રાણ રાયા હતા. આ દુર્ઘટનામાં અન્ય બે વ્યક્તિઓ આશરે દસ ટકા જેટલા દાઝી ગયા હતા, જેને પગલે તેમને ત્વરિત સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે, જ્યાં હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે.
શાહદરાના ડેપ્યુટી પોલીસ કમિશનર રાજેન્દ્ર પ્રસાદ મીણાએ ઘટનાની પુષ્ટિ કરતા જણાવ્યું હતું કે ગ્રાઉન્ડ ફ્લોર, મેઝેનાઈન ફ્લોર અને અન્ય ત્રણ માળ ધરાવતા આ મકાનમાં પ્રથમ માળે સૂઈ રહેલા લોકો આગ અને ધુમાડાની વધુ ગંભીર ઝપેટમાં આવ્યા હતા. પોલીસ અને ફોરેન્સિક તેમજ સંબંધિત તપાસ ટીમો દ્વારા આગ લાગવાના ચોક્કસ કારણો અને અન્ય સુરક્ષા પાસાઓની ઝીણવટભરી તપાસ હાથ ધરવામાં આવી રહી છે. આ બનાવને પગલે સમગ્ર વિસ્તારમાં શોકનું મોજુ ફરી વળ્યું છે અને રહેણાંક મકાનોમાં વાહનોના ચાર્જિંગ બાબતે સલામતીના મુદ્દે ગંભીર ચર્ચાઓ જાગી છે.
