ઘટનાની વિગતો મુજબ, ઇન્કમ ટેક્સ સર્કલ પાસે લોન રિકવરી એજન્સી ચલાવતા ૨૬ વર્ષીય યુવાનના સ્ટાફે ગત ૩ નવેમ્બરના રોજ એક ગ્રાહકને બાકી હપ્તાની ભરપાઈ કરવા માટે ફોન કર્યો હતો. આ ફોન કોલ બાદ વડોદરાથી એક શખ્સે એજન્સીના કર્મચારીને ફોન કરીને ધમકી આપી હતી કે સંબંધિત ગ્રાહકનો ફરીથી સંપર્ક કરવામાં ન આવે. ત્યારબાદ, ચાર જેટલા અજાણ્યા ઇસમો સીધા જ એજન્સીની ઓફિસે ધસી આવ્યા હતા અને સંચાલકને રિકવરીનો આ ધંધો તાત્કાલિક ધોરણે સમેટી લેવાની કડક ચેતવણી આપીને જતા રહ્યા હતા.
મામલો ત્યારે વધુ ગંભીર બન્યો જ્યારે તે જ રાત્રે આશરે ૧૦ વાગ્યે સંચાલક અને તેમના સાથીદારો આશ્રમ રોડ પર આવેલા ચાના સ્ટેન્ડ પાસે ઊભા હતા. તે સમયે એક સફેદ રંગની કારમાં આવેલા ત્રણ શખ્સોએ તેમની સાથે ગાળાગાળી કરી હતી અને ખુલાસો કર્યો હતો કે તેમને અન્ય એક ફાઇનાન્સ સર્વિસ ફર્મના માલિક દ્વારા મોકલવામાં આવ્યા છે. આ શખ્સોએ સ્પષ્ટ શબ્દોમાં તાકીદ કરી હતી કે તેમની એજન્સીએ વડોદરામાં કોઈપણ પ્રકારની રિકવરી ઓપરેશન ચલાવવું નહીં અને જો ફિલ્ડ એક્ઝિક્યુટિવ્સ કામ ચાલુ રાખશે તો તેના ગંભીર પરિણામો ભોગવવા તૈયાર રહેવું પડશે.
આરોપીઓએ હદ વટાવતા સંચાલકના ભાગીદારને જાનથી મારી નાખવાની અને જો વડોદરામાં દેખાશે તો બંનેના હાથ-પગ ભાંગી નાખવાની ખૂની ધમકી આપી હતી. ખુલ્લેઆમ મળેલી આ જીવલેણ ધમકીથી ડર્યા વગર એજન્સીના માલિકે હિંમત દાખવીને નવરંગપુરા પોલીસ સ્ટેશનમાં સમગ્ર મામલે આઈપીસીની સંબંધિત કલમો હેઠળ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધીને આ કેસમાં સંડોવાયેલા વડોદરાના શખ્સો અને પાછળ સક્રિય અન્ય ફાઇનાન્સ ફર્મના સંચાલકની શોધખોળ હાથ ધરીને વધુ તપાસ શરૂ કરી છે.
