JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
દેશ-વિદેશ

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો વિવાદિત 'શીશ મહેલ' જાહેર જનતા માટે ખુલ્લો, લાખોની કિંમતી ચીજવસ્તુઓનું કરાયું પ્રદર્શન

દિલ્હીમાં અરવિંદ કેજરીવાલનો વિવાદિત 'શીશ મહેલ' જાહેર જનતા માટે ખુલ્લો, લાખોની કિંમતી ચીજવસ્તુઓનું કરાયું પ્રદર્શન
દિલ્હી સરકારે પૂર્વ મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના વિવાદિત અને વૈભવી 'શીશ મહેલ'ને સામાન્ય જનતા માટે ખુલ્લો મૂક્યો છે. આ બંગલામાં વસાવવામાં આવેલી લાખો રૂપિયાની કિંમતી ચીજવસ્તુઓ પર પ્રાઇસ ટેગ લગાવીને તેનું જાહેરમાં પ્રદર્શન કરવામાં આવ્યું છે.

દિલ્હીની ભાજપ સરકાર દ્વારા અગાઉના આમ આદમી પાર્ટીના શાસન દરમિયાન મુખ્યમંત્રી રહેલા અરવિંદ કેજરીવાલના વિવાદિત 'શીશ મહેલ'ને હવે જનતાના દર્શનાર્થમૂકવામાં આવ્યો છે. જનતાના ટેક્સના નાણાંમાંથી આ બંગલાના રિનોવેશન અને ફર્નિશિંગ પાછળ કુલ ૫૮.૮૩ કરોડ રૂપિયાનો તોતિંગ ખર્ચ કરવામાં આવ્યો હોવાનો સરકારે દાવો કર્યો છે. વર્તમાન પીડબલ્યુડી મંત્રી પરવેશ વર્માના જણાવ્યા અનુસાર, શરૂઆતમાં મીડિયાકર્મીઓને આ બંગલાની મુલાકાત લેવાની છૂટ આપવામાં આવી હતી અને ત્યારબાદ તેને સામાન્ય નાગરિકો માટે પણ ખુલ્લો કરવામાં આવ્યો છે. આ ભવ્ય બંગલાની મુલાકાત લેવા માટે સામાન્ય જનતા માટે ૨૦ રૂપિયાની ટિકિટની વ્યવસ્થાની સાથે ઓનલાઈન બુકિંગની સુવિધા પણ ઉપલબ્ધ કરાવવામાં આવી છે.

મીડિયા દ્વારા મુલાકાત લેવાયા બાદ આ વૈભવી બંગલાની અંદરની તસવીરો અને કિંમતો સામે આવતા રાજકારણ ગરમાયું છે. રાજ્ય સરકારના દાવા મુજબ કેજરીવાલના આ નિવાસસ્થાને ૧૧.૫૬ લાખ રૂપિયાનું ઝુમ્મર, ૫.૪૭ લાખ રૂપિયાના સોફા, ૫.૫૮ લાખ રૂપિયાની ખુરશીઓ, ૬.૭૯ લાખ રૂપિયાનું સેન્ટ્રલ ટેબલ અને ૫.૬૯ લાખ રૂપિયાના મોંઘા પડદાઓ વસાવવામાં આવ્યા હતા. આ તમામ ચીજવસ્તુઓની બાજુમાં તેની કિંમતો દર્શાવતું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું છે, જેથી મુલાકાતે આવનારા લોકો દરેક વસ્તુનો અંદાજ મેળવી શકે. મંત્રી કપિલ મિશ્રાએ આ અંગે પ્રતિક્રિયા આપતા જણાવ્યું હતું કે આ શીશ મહેલની મુલાકાત લીધા બાદ જનતાને સાચી હકીકત સમજાશે કે આમ આદમી તરીકે ઓળખ આપનારા નેતાના શાસનમાં જનતાની મહેનતની કમાણીનો કેવો દુર્વ્યય થયો હતો.

વર્ષ ૨૦૧૫થી ૨૦૨૪ દરમિયાન દિલ્હીના મુખ્યમંત્રી પદે રહેલા અરવિંદ કેજરીવાલના આ વિવાદિત બંગલામાં અત્યાધુનિક સુવિધાઓનો ભંડાર જોવા મળે છે. પ્રાપ્ત વિગતો અનુસાર આ વૈભવી બંગલામાં કુલ આઠ બેડરૂમ, ૧૨ ટોઇલેટ, એક વૈભવી બાથટબ, સ્પા, મોંઘા કારપેટ અને પાંચ મોટી સ્ક્રીનવાળા ટીવી જેવી સુવિધાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. દિલ્હીની ચૂંટણી પૂર્વે હંમેશાં ચર્ચાના કેન્દ્રમાં રહેલો આ શીશ મહેલ હવે પંજાબની નજીક આવી રહેલી ચૂંટણી ટાણે ફરી એકવાર રાષ્ટ્રીય રાજકારણમાં ચર્ચાનો મુખ્ય વિષય બન્યો છે. હાલમાં આ વિશાળ બંગલાની યોગ્ય દેખરેખ અને સાફસફાઇ જાળવી રાખવા માટે ખાસ દસ લોકોનો સ્ટાફ પણ તૈનાત કરવામાં આવ્યો છે.

દેશ-વિદેશ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES