ઈરાનના નૌકાદળના વડા એડમિરલ શાહરામ ઈરહાસે તાજેતરમાં આપેલા એક ઈન્ટરવ્યુમાં અમેરિકા દ્વારા લદાયેલી દરિયાઈ નાકાબંધીને ટ્રમ્પ વહીવટીતંત્રની નિષ્ફળતા ગણાવી હતી. તેમણે સ્પષ્ટ કર્યું હતું કે યુદ્ધ શરૂ થયા પછી નાકાબંધી કરવી તેનો અર્થ એ થાય છે કે યુદ્ધ પહેલેથી જ હારી ચૂક્યા છે. ઈરાની કમાન્ડરે દાવો કર્યો હતો કે યુદ્ધના બીજા જ દિવસે તેમણે એક નવી મિસાઈલથી અમેરિકાના પ્રખ્યાત એરક્રાફ્ટ કેરિયર 'યુએસએસ અબ્રાહમ લિંકન' પર સફળ હુમલો કર્યો હતો, જેના કારણે અમેરિકન સેનાએ ઘાયલોને બહાર કાઢવા માટે પ્રાદેશિક સહાય માંગવી પડી હતી. આ સાથે જ તેમણે એવો પણ દાવો કર્યો હતો કે ઈરાની દળોએ અમેરિકન સેનાને ઈરાની આંતરિક પાણીમાંથી પાછી ખેંચીને અરબી સમુદ્ર અને ઉત્તર હિન્દ મહાસાગરમાં સીમિત કરી દીધી છે.
અમેરિકા દ્વારા હોરમુઝની ખાડીમાં કરવામાં આવેલા પ્રતિબંધો અને આર્થિક નાકાબંધી વચ્ચે ઈરાની નેવી ચીફે ખાતરી આપી હતી કે તેમના બંદરો સંપૂર્ણપણે કાર્યરત છે અને વેપારી જહાજોને સુરક્ષા પૂરી પાડવામાં આવી રહી છે. દુશ્મન દેશ ઈરાનની અર્થવ્યવસ્થાની કમર તોડવાના પ્રયાસો કરી રહ્યો છે પરંતુ તે નિષ્ફળ સાબિત થયો છે તેમ જણાવી તેમણે ઉમેર્યું કે નાકાબંધી તોડવાનું ઓપરેશન હાલ પૂરજોશમાં ચાલી રહ્યું છે. આ દરમિયાન તેમણે અમેરિકન નૌકાદળ પર ઈરાની ઓઈલ ટેન્કરોની ચોરી કરવાનો આરોપ લગાવતા કહ્યું કે યુદ્ધના માહોલ વચ્ચે ઈરાને પોતાના બે ટેન્કરો સફળતાપૂર્વક પાછા છીનવી લીધા છે. વળી, બહેરીનમાં આવેલી અમેરિકન સેનાની ફિફ્થ ફ્લીટની બેઝ પર પણ ભારે નુકસાન પહોંચાડવામાં આવ્યું હોવાનો દાવો તેમણે કર્યો હતો.
આ નિવેદન એવા સમયે સામે આવ્યું છે જ્યારે મધ્ય પૂર્વમાં અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ ચરમસીમાએ પહોંચ્યો છે. તાજેતરમાં જ યુએસ સેન્ટ્રલ કમાન્ડ (CENTCOM) એ ઓમાનની ખાડીમાં નાકાબંધી તોડવાનો પ્રયાસ કરનાર એક પાલાઉ-ધ્વજવાળા વ્યાપારી જહાજને સચોટ હવાઈ હુમલો કરીને નિષ્ક્રિય કરી દીધું હતું. અમેરિકન લશ્કરી કમાન્ડે દાવો કર્યો છે કે તેમણે અત્યાર સુધીમાં નિયમોનું પાલન કરનારા ૧૫૮ વ્યાપારી જહાજોને સુરક્ષિત માર્ગ આપ્યો છે જ્યારે નિયમ ન માનનાર ૬ જહાજોને અટકાવ્યા છે. બીજી તરફ, ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતાબા ખમેનીએ સશસ્ત્ર દળોને સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે હવે અમેરિકાના હુમલા સામે જવાબ આપવામાં ભૌગોલિક મર્યાદાઓ લાગુ પડશે નહીં, જેનાથી આ ક્ષેત્રમાં સંઘર્ષ વધુ ઉગ્ર બનવાના એંધાણ વર્તાઈ રહ્યા છે.
