દેશમાં હાઇવે મુસાફરીને વધુ ઝડપી અને સરળ બનાવવા માટે સરકાર દ્વારા મલ્ટી-લેન ફ્રી ફ્લો (MLFF) ટોલ સિસ્ટમ લાગુ કરવામાં આવી રહી છે, જેમાં વાહનોએ ટોલ ચૂકવવા માટે રોકાવું પડતું નથી. પરંતુ કેટલાક વાહનચાલકો આ આધુનિક સિસ્ટમનો ગેરલાભ ઉઠાવીને ટોલ ટેક્સ ચૂકવવાનું ટાળવા માટે જાણી જોઈને પોતાની ગાડીની આગળ કે પાછળની નંબર પ્લેટ સાથે છેડછાડ કરે છે અથવા તેને છુપાવી દે છે. આ ઉપરાંત, ફાસ્ટેગ (FASTags) નો ઉપયોગ ન કરવાના કિસ્સાઓ પણ સામે આવ્યા છે. આ ગેરરીતિને ડામવા માટે રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલયે કડક નિયમોની જાહેરાત કરી છે, જેથી કોઈ પણ વ્યક્તિ કાયદાનો ભંગ કરીને ટોલ ચોરી ન કરી શકે.
નવા નિયમો અનુસાર જો કોઈ વાહનચાલક ઇરાદાપૂર્વક નંબર પ્લેટ છુપાવશે અથવા ફાસ્ટેગ નહીં લગાવે અને તે સાબિત થશે, તો તેણે મૂળ ટોલ ટેક્સ ઉપરાંત તેનાથી પાંચ ગણો દંડ ભરવો પડશે. ઉદાહરણ તરીકે, જો કોઈ જગ્યાએ 100 રૂપિયાનો ટોલ લાગુ પડતો હોય અને કોઈ ચોરી કરવાનો પ્રયત્ન કરશે, તો તેણે દંડના 500 રૂપિયા સહિત કુલ 600 રૂપિયા ચૂકવવા પડશે. આ કડક જોગવાઈઓ હાલની અને ભવિષ્યમાં બનનારી તમામ બેરિયર-ફ્રી ટોલ પ્લાઝા પ્રણાલીઓ પર લાગુ થશે. જોકે, ફાસ્ટેગમાં અપૂરતા બેલેન્સ જેવા અજાણતા થયેલા વ્યવહારોને આમાં ગણવામાં આવશે નહીં અને તેના માટે નિયમ મુજબ 72 કલાકમાં માત્ર મૂળ રકમ જ ભરવાની રહેશે.
આ પ્રકારના નિયમોના અમલીકરણ અને ટોલ ચોરોને પકડવા માટે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા અત્યાધુનિક ટેકનોલોજીનો ઉપયોગ શરૂ કરવામાં આવ્યો છે. ઓવરહેડ ગેન્ટ્રી પર લગાવેલા ફાસ્ટેગ રીડર્સ અને ઓટોમેટિક નંબર પ્લેટ રેકગ્નિશન (ANPR) કેમેરા ઉપરાંત, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) આધારિત 'વેહિકલ ફિંગરપ્રિન્ટિંગ' ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. જો નંબર પ્લેટ કે ફાસ્ટેગ વાંચી ન શકાય, તો સરકારના 'વાહન' રજીસ્ટ્રેશન ડેટાબેઝની મદદથી ગુનો આચરનાર વાહનની ઓળખ કરવામાં આવશે. ગુજરાતના ચોર્યાસી ખાતે દેશના પ્રથમ બેરિયર-ફ્રી ટોલ પ્લાઝાથી શરૂ થયેલી આ વ્યવસ્થા હવે દિલ્હીના મુન્ડકા સહિત દેશના અન્ય સ્થળોએ પણ વિસ્તારવામાં આવી રહી છે.
