અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) ની તાજેતરની બોર્ડ બેઠક શહેરી સુવિધાઓ અને વહીવટી પ્રાથમિકતાઓને લઈને ભારે ગરમાગાની રહી હતી. એક તરફ શહેરમાં રોડ, ગટર અને સફાઈ જેવી પાયાની બાબતો અંગે નાગરિકો તરફથી અસંખ્ય ફરિયાદો ઉઠી રહી છે, તો બીજી તરફ તંત્ર દ્વારા ઉત્સવો અને વિવિધ કાર્યક્રમોના પ્રચાર-પ્રસાર પાછળ પાણીની જેમ નાણાં વહાવવામાં આવી રહ્યા છે. કોંગ્રેસના કોર્પોરેટર નીરવ બક્ષીએ બેઠકમાં ચોંકાવનારા આંકડા રજૂ કરતા જણાવ્યું હતું કે માત્ર છેલ્લા એક વર્ષના સમયગાળા દરમિયાન જ પબ્લિસિટી વિભાગ દ્વારા જાહેરાતો અને પ્રચાર પાછળ મસમોટા ₹14.15 કરોડનો ખર્ચ કરવામાં આવ્યો છે.
આ ગંભીર આક્ષેપ બાદ શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું. વિપક્ષી નેતાઓએ આક્રમક અંદાજમાં જણાવ્યું હતું કે પ્રજાના પરસેવાની કમાણીમાંથી ચૂકવાતા ટેક્સના નાણાંનો ઉપયોગ જનહિતના કાર્યોને બદલે માત્ર બેનરો અને પોસ્ટરોમાં નેતાઓના ફોટા ચમકાવવા માટે થઈ રહ્યો છે. આ સામે શાસક પક્ષના સભ્ય જૈનિક વકીલે વળતો પ્રહાર કરતા ટકોર કરી હતી કે પબ્લિસિટીનાં પોસ્ટરોમાં વિપક્ષી નેતાઓના ફોટા નથી આવતા એટલે જ તેમને આ સમગ્ર બાબતે વાંધો પડી રહ્યો છે. જોકે, વિવાદ વધતાં મેયરે બચાવ કર્યો હતો કે ભદ્ર ફેસ્ટિવલ જેવા ભવ્ય આયોજનોમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉત્સાહભેર ભાગ લીધો છે, જે દર્શાવે છે કે આવા ઉત્સવો જનમાનસમાં લોકપ્રિય છે અને તેનું આયોજન આવશ્યક છે.
આ બેઠકમાં માત્ર પ્રચારનો મુદ્દો જ નહીં પરંતુ વહીવટી તંત્રની નિષ્ક્રિયતા દર્શાવતી અન્ય બાબતો પણ ચર્ચાના કેન્દ્રમાં રહી હતી. કોંગ્રેસના સભ્ય દ્વારા કોર્પોરેશનની મિલકતો પર મોબાઇલ ટાવર ઊભા કરવાની મંજૂરી મેળવનાર ૧૨ જેટલી ખાનગી કંપનીઓ પાસેથી અંદાજે ₹8.52 કરોડની માતબર રકમની વસૂલાત લાંબા સમયથી બાકી હોવાનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. તંત્રની બેધારી નીતિ પર સવાલ ઉઠાવતા એવું જણાવાયું હતું કે સામાન્ય નાગરિકનો થોડોઘણો ટેક્સ બાકી હોય તો તંત્ર તુરંત જ તેની મિલકત સીલ કરવા જેવી કડક કાર્યવાહી કરે છે, પરંતુ કરોડો રૂપિયાની મસમોટી રકમ દબાવીને બેઠેલી મોટી ટાવર કંપનીઓ સામે વસૂલાત માટે કેમ કોઈ જ આક્રમક પગલાં લેવામાં આવતા નથી?
