જામનગર નજીક આવેલા નાઘોડી ગામ પાસેની જીઆઈડીસી વસાહતમાં વિદેશી દારૂનું મોટા પાયે કટિંગ થઈ રહ્યું હોવાની ચોક્કસ બાતમીના આધારે સ્ટેટ મોનિટરિંગ સેલની ટીમે ઓચિંતો સપાટો બોલાવ્યો હતો. આ દરોડા દરમિયાન ટીમે સ્થળ પરથી ભારતીય બનાવટના વિદેશી દારૂની ૨૦ હજારથી વધુ બોટલો જપ્ત કરી હતી. દારૂના આ જંગી જથ્થા ઉપરાંત બે મોટા ટ્રક અને મોટરસાયકલ સહિત કુલ પાંચ વાહનો પણ કબજે લેવામાં આવ્યા હતા. સમગ્ર કાર્યવાહીમાં રૂપિયા ૩.૩૭ કરોડથી વધુનો મુદ્દામાલ જપ્ત કરીને બે શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી.
પ્રાથમિક તપાસ દરમિયાન આ ગેરકાયદેસર પ્રવૃત્તિમાં કુલ નવ જેટલા આરોપીઓની સીધી સંડોવણી હોવાનું બહાર આવ્યું છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા કરવામાં આવેલા આ મોટા પર્દાફાશથી સ્થાનિક પોલીસ તંત્રની કામગીરી સામે ગંભીર સવાલો ઊભા થયા હતા. નાઘોડી ગામનો આ સમગ્ર ઔદ્યોગિક વિસ્તાર પંચકોશી-બી પોલીસ સ્ટેશનની હદમાં આવતો હોવાથી સ્થાનિક પોલીસની ઘોર બેદરકારી કે છૂપી મિલીભગત હોવાની આશંકા પ્રબળ બની હતી. બહારની ટીમે સ્થાનિક વિસ્તારમાંથી આટલો મોટો દારૂનો જથ્થો ઝડપી પાડતાં પોલીસ આલમમાં સોપો પડી ગયો હતો.
આ ગંભીર લાપરવાહી સામે આવતાં જ જામનગર જિલ્લા પોલીસ વડા ડૉક્ટર રવિ મોહન સૈનીએ કડક વલણ અપનાવી ત્વરિત પગલાં ભર્યા છે. તેમણે પંચકોશી-બી પોલીસ મથકના સબ ઇન્સ્પેક્ટર એલ. બી. જાડેજા સહિત કુલ આઠ પોલીસ કર્મચારીઓને તાત્કાલિક અસરથી ફરજ મોકૂફ કરી દીધા છે. સસ્પેન્ડ કરાયેલા સ્ટાફમાં સહાયક સબ ઇન્સ્પેક્ટર ધર્મેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, હેડ કોન્સ્ટેબલ રાજદીપસિંહ જાડેજા, નિર્મલસિંહ રાઠોડ, મેહુલ વિસાણી, પોલાભાઈ આડોદરા અને મયુરસિંહ જાડેજાનો સમાવેશ થાય છે.
જિલ્લા પોલીસ વડાએ માત્ર સસ્પેન્શન સુધી સીમિત ન રહેતાં તમામ કસૂરવાર કર્મચારીઓની તાત્કાલિક જિલ્લાફેર બદલી કરવાનો પણ આદેશ કર્યો છે. જેમાં ધર્મેન્દ્રસિંહ ઝાલાની દેવભૂમિ દ્વારકા જિલ્લામાં, જ્યારે બાકીના સાત કર્મચારીઓની સુરેન્દ્રનગર જિલ્લામાં બદલી કરવામાં આવી છે. ઉચ્ચ સ્તરેથી લેવાયેલા આ કડક નિર્ણયના પગલે સમગ્ર પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
