JAMNAGAR 361005 GUJARAT, INDIA
મુખ્ય પાના પર પાછા જાઓ
JAMNAGAR MIRROR
ક્રાઈમ

ઉના પંથકમાં માત્ર ૮ કલાકમાં સર્જાયેલા બે ગંભીર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત

ઉના પંથકમાં માત્ર ૮ કલાકમાં સર્જાયેલા બે ગંભીર અકસ્માતમાં બે યુવકોના કરુણ મોત
ઉના પંથકમાં માત્ર આઠ કલાકના ટૂંકા સમયગાળામાં બે અલગ-અલગ માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી છે. આ દુર્ઘટનાઓમાં બે યુવાનોએ પોતાના પ્રાણ ગુમાવ્યા છે જ્યારે અન્ય ત્રણ લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સમગ્ર પંથકમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.

ઉના શહેરના કંસારી બાયપાસ નજીક મચ્છુંદ્રી નદીના પુલ પર મોડી રાત્રે એક ટ્રક અને બાઈક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો, જેમાં બાઈકચાલકનું ઘટનાસ્થળે જ કમકમાટીભર્યું મૃત્યુ નીપજ્યું હતું. રાત્રિના સમયે બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક પોલીસ ત્વરિત ઘટનાસ્થળે દોડી ગઈ હતી. જોકે, અકસ્માત વખતે મૃતક પાસે કોઈ ઓળખપત્ર ન હોવાથી તેની પ્રારંભિક ઓળખ થઈ શકી ન હતી. આથી પોલીસે સોશિયલ મીડિયાના માધ્યમથી મૃતકના ફોટા વાયરલ કરી તેની ઓળખ સ્થાપિત કરવાના ચક્રો ગતિમાન કર્યા હતા, જેના પરિણામે સવારે સાડા નવ વાગ્યાની આસપાસ મૃતકની ઓળખ ઉનાના રહેવાસી જિલુભાઈ ડાયાભાઈ પરમાર તરીકે થઈ હતી અને પરિવારજનો હોસ્પિટલ દોડી આવ્યા હતા.

આ ઘટનાની શાહી હજી સુકાઈ ન હતી ત્યાં જ ઉના તાલુકાના કંસારી અને ભાચા ગામ વચ્ચે ખોડિયારની ધાર પાસે વધુ એક ભયાનક ટ્રિપલ બાઈક અકસ્માત સર્જાયો હતો. મૂળ ઉનાના આથમણાપડા ગામના અને હાલ સુરત રહેતા અજીતસિંહ જીલુભા ગોહિલ પોતાના કૌટુંબિક સાળાના તાલાલા તાલુકાના મોરુકા ગામ ખાતે યોજાનાર લગ્ન પ્રસંગમાં સામેલ થવા માટે જઈ રહ્યા હતા. તેઓ મોરુકા જવા માટે પોતાના બાઈક પર નીકળ્યા ત્યારે રસ્તામાં આ ગમખ્વાર અકસ્માત નડ્યો હતો. આ ત્રિપલ અકસ્માતમાં ગંભીર ઇજાઓ પામેલા અજીતસિંહને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ દ્વારા ઉના સરકારી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા, જ્યાં ફરજ પરના તબીબોએ તેમને મૃત જાહેર કર્યા હતા.

લગ્ન પ્રસંગની ખુશીઓ વચ્ચે સર્જાયેલી આ આકસ્મિક દુર્ઘટનાને કારણે પરિવારજનોમાં ભારે આઘાત જોવા મળ્યો હતો અને લગ્નનો માહોલ ક્ષણવારમાં માતમમાં પરિવર્તિત થઈ ગયો હતો. અજીતસિંહના અચાનક અવસાનથી તેમના પરિવાર પર આભ તૂટી પડ્યું હતું અને એકના એક માસૂમ પુત્રએ પોતાના પિતાની છત્રછાયા ગુમાવી દીધી હતી. માત્ર આઠ કલાકના અંતરાલમાં બનેલી આ બે ગોઝારી ઘટનાઓએ સ્થાનિક વિસ્તારને હચમચાવી દીધો છે અને સુરક્ષિત વાહનવ્યવહાર અંગે ગંભીર સવાલો ખડા કર્યા છે.

ક્રાઈમ વિભાગના વધુ સમાચાર

LATEST ARTICLES